Pages

Saturday, August 22, 2020

નિર્વાણ

નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 22-08-2020 ના રોજ પ્રકાશિત

એક ઝુપડીની બહાર એક તકતી લાગેલી હતી. લખ્યું હતું "જે વ્યક્તિ પૂર્ણ સંતોષી હોય તેને ઝુપડીની બાજુંમાં આવેલી જમીન અને બગીચો ભેટ આપવામાં આવશે." આ ઝુપડીમાં એક સાધુ રહેતા હતાં અને ઉમર ખુબ વધી ગઈ હતી. સાધુ તો આ નાની એવી ઝુપડીમાં રહેતાં હતાં પણ તેમનાં શિષ્યોએ ઝુંપડીની બાજુમાં આવેલી જમીન સાધુના નામે આશ્રમ બનાવવા માટે લઇ રાખી હતી અને એક સુંદર બગીચો બનાવ્યો હતો. સાધુને ખબર હતી કે હવે તેમનો સમય પૂરો થવા આવ્યો છે. અને મારા જીવતાં જીવ મારે આ જમીનની જરૂર પડી નથી તો મર્યા પછી શું કામની? એટલે ઝુપડીની બહાર આ તકતી લગાવી દીધી. જેમ જેમ લોકોને ખબર પડવા લાગી કે જમીન અને બગીચો પૂર્ણ સંતોષી વ્યક્તિને ભેટ મળવાનો છે તો લોકો જાત જાતનાં તર્ક વિતર્ક કરીને ઝુપડીમાં સાધુને મળવા માટે આવવા લાગ્યા. અનેક લોકો આવ્યા પણ બધા જ ખાલી હાથે પાછા ગયાં. 

આ વાત હવે છેક તે રાજ્યના રાજા સુધી પહોચી. તેને વિચાર્યું સાધુએ બધાં ને પાછા મોકલી દીધા છે પણ મને કઈ રીતે પાછો મોકલશે? હું તો મારા જીવનમાં પૂર્ણ સંતુષ્ઠ છું. મારી પાસે કઈ વાત ની ખોટ છે. દુનિયાભરની દોલત એશોઆરામ મારી પાસે છે. મારી કોઈ વાતમાં સાધુ ખોટ કાઢી શકશે નહિ. આમ વિચારીને રાજા ઝુપડીમાં ગયો અને સાધુને કહ્યું તમે ભલે અનેક લોકોને પાછા કાઢી શક્યા હોય કદાચ તમને લાગ્યું હશે કે એ બધાં પૂર્ણ સંતોષી નહિ હોય. હું આ રાજ્યનો રાજા છું અને હું પૂર્ણ રીતે સંતુષ્ઠ છું. મારી પાસે કોઈ વાત ની કમી છે નહિ. આજે હું અહી તમારી પાસે આવ્યો છું, મારા માટે તમારું શું માનવું છે? શું તમે મને આ બગીચો અને જમીન ભેટમાં આપશો? 

સાધુએ કહ્યું રાજા તમે જો એમ સમજતા હોય કે તમે પૂર્ણ સંતોષી છો તો તમે અહી આવ્યા છો શું કામ? આ જમીન અને બગીચો લેવા માટે? તમે રાજા હોવા છતાં પૂર્ણ સંતોષી નથી એટલેજ એ મેળવવા માટે અહી મારી પાસે આવ્યા છો. આ ભેટ તો એના માટે છે કે જે પરમને પામી ગયો હોય, જે પૂર્ણ સંતોષી હોય. હજુ સુધી તો આ રાજ્ય માં એવો એક પણ વ્યક્તિ મને લાગતું નથી કે જે પૂર્ણ સંતોષી હોય. તમે પણ નહિ.

ધ્યાન દ્વારા સંતોષની આવી ક્ષણ જીવનમાં અવતરીત થાય છે, જયારે ઈચ્છાઓ માં રસ નથી રહેતો. મન શાંત હોય છે. વ્યક્તિ અંતર આત્મા સાથે ખુશ હોય છે. આવી જ ક્ષણોમાં પરમાત્માનું અવતરણ થાય છે. કોઈનાં દ્વવાર પર કઈ માંગવા નથી જવું પડતું. પરમાત્માંનાં આશીર્વાદનો મધુર વરસાદ વરસે છે અને આનું નામ જ નિર્વાણ.

 

Friday, August 21, 2020

મજબુરીમાં બધાં

નિભાવ દૈનિકમાં તારીખ ૨૧-૦૮-૨૦૨૦ નાં રોજ પ્રકાશિત

 મજબુરીમાં બધાં મોતને હવાલે થઇ ગયાં

કાફલાઓ તોફાન ના કોળિયા થઇ ગયાં


સફરમાં એકલાં મારે એટલું ચાલવું પડયું

કે પગમાં મારા દુખાવોને છાલા પડી ગયાં


આપી રહ્યો છે શીતળતા ચંદ્રમાં ત્યાર થી

તેજસ્વી વાક્ય મુખેથી મારા નીકળી ગયાં


બળ્યા એટલું લોકો જોઈ ને ઉન્નતી મારી

બળતા બળતા એ બધાં કાળા પડી ગયાં


લાગે છે હમેશ માટે કોઈ છોડી ને જતું રહ્યું

મકાનમાં માત્ર કરોળિયાનાં જાળા રહી ગયાં

દીપક પંડયા


Thursday, August 20, 2020

ઘર નાનું હોય કે મોટું

ઘર નાનું હોય કે મોટું, એક ખૂણો એવો જરૂર રાખજો 

જ્યાં મોટે થી હસી શકાય અને મન ભરીને રડી શકાય


વરસાદમાં પલળવાની મજા કંઇક અલગ જ છે દોસ્તો

કાગળની નાવડી તરાવવાનાં એ દિવસો યાદ છે દોસ્તો


ખુલા નભમાં રાત્રે સુતા પહેલાં તારાઓ ગણેલા યાદ છે?

ચાંદાને હાથમાં પકડવાં માટે મારેલા કૂદકાઓ યાદ છે?


ક્યારામાં પાણી આપતાં વૃક્ષ સાથે કરેલી એ પ્રશ્નાવલી

ને એ જ વૃક્ષ પર કિલ્લોલ કરતા પક્ષીઓના એ ઉત્તરો


બધુ જ બધાને કહી શકાય નહિ એ તદ્દન સાચું છે પરંતુ

મનની વાત ખુલીને કહી શકાય તેવા મિત્ર જરૂર રાખજો


જીવનની દરેક પળ માણોને ઉદાસીને ઉપાડી દુર ફેકી દેજો

ઉમર વધી રહી છે સમય સાથે પણ આ ઉમર ની મજા લેજો


દીપક પંડયા

રાણીપ અમદાવાદ


Saturday, August 15, 2020

ભારત 1200 વર્ષ ગુલામ કેમ રહ્યું?

નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 15-08-2020 ના રોજ પ્રકાશિત

એક આશા હવે મનમાં જાગી છે કે દેશના પ્રધાન રાત્રે ૮ વાગે ટીવી ઉપર આવી ને કયારે કહે કે મિત્રો....... આજ રાત ૧૨ બજે સે દિલ્હી એન સી આર કી સીમાયે લાહોર તક બઢા દી જાયેગી. હવે આવું સંભાળવા માટે મન ઉત્સુક છે.

આઝાદી પર્વ પર આજે વીર સૈનિકો અને દેશ આટલા વર્ષ કેમ ગુલામ રહ્યો તેના કારણોની ચર્ચા કરવી છે.

વેતન હું અને તમે બંને લઈએ છીએ અને વેતન સરહદ પર ઉભો રહેનાર સૈનિક પણ લે છે. ફરક બંનેમાં ફક્ત એક માત્રાનો છે. આપણે વેતન  માટે કામ કરીએ છીએ જયારે સૈનિક વતન માટે કામ કરે છે. મેં રામને નથી જોયાં કે નથી કૃષ્ણને જોયા. જરૂર એ આપણી રક્ષા કરતા હશે. પણ મેં તો દિવસ રાત આપણી રક્ષા કરતા ભારતના વીર સૈનિકોને જોયા છે જે રક્ષક દેવ સમાન જ છે અને તેમના જ કારણે દેશ સુરક્ષિત છે અને આપણે બધા સુખેથી જીવી શકીએ છીએ. આપણાં સૈનિકો હિંમતવાન, શોર્યવાન, સાહસિક છે જ તેમાં કોઈ બે મત નથી. 70 વર્ષમાં પ્રથમવાર રાજકીય ઇચ્છાશક્તિએ એનો પરિચય અને પરચો આપ્યો છે અને દુશ્મન દેશે ઘૂટણિયે પડીને આપણા એક વીર જવાનને સહી સલામત પાછો આપવો પડયો. એ વીર સપૂતનું નું નામ: વિંગ કમાન્ડર અભિનંદન. અભિનંદન ફાઈટર પ્લેન લઇને પાકિસ્તાનની સીમામાં ઘુસ્યા અને પકડાયા ત્યારે તેમને પુછાયેલો સવાલ. અમારી સીમામાં ફાઈટર પ્લેન લઇને શું કરવા આવ્યા હતા? અને 6 ફૂટ 2 ઇંચના આ નીડર જવાનનો જવાબ સાંભળીને છાતી ગર્વથી ફૂલી જશે; "હું એ બતાવવું ઉચિત નથી સમજતો કે હું શું કરવા અહીં આવ્યો છું". આ શોર્ય આપણાં વીર જવાનનું છે. આ ઘટનાથી પાડોશી દેશ અને આ પૂરું વિશ્વ સમજીજ ગયું છે કે આ 47 નું નહિ પણ એક નવું ભારત છે. જે સીમા પર અને સીમા પાર બંને જગ્યાએ લડી શકે છે અને જીતી શકે છે.

આવા જ સાહસિક જવાનોના લીધે હું અને તમેં આઝાદીથી ફરી શકીએ છીએ અને રાત્રે શાંતિથી સુઈ શકીએ છીએ. વીર અભિનંદને જે પરાક્રમ કર્યું હતું તે કાંઈ જેવું તેવું નહોતું, મિગ 21 કે જે 18 વર્ષ જૂની તકનીક વાળું ફાઈટર પ્લેન છે તેનાં વડે અમેરિકાએ ભીખમાં પાકિસ્તાનને આપેલ એફ 16 કે જે એકદમ નવીન તકનીકથી બનેલ હતું તેનો પીછો કર્યો અને તેને તોડી પાડયું. ભીખ માંગીને હથિયાર ખરીદી શકાય પણ ભારતના જવાન જેવું સિંહનું જીગર દુશ્મન દેશ ક્યાંથી લાવશે? યુદ્ધ પરાક્રમથી જીતાય છે હથિયારથી નહી એ આ જાંબાજ યોદ્ધાએ સમગ્ર વિશ્વ સમક્ષ સાબિત કરી આપ્યું. 

આજે આપણો આઝાદી દિવસ છે. ભારત 1200 વર્ષ ગુલામ કેમ રહ્યું અને તેનાં શું કારણો રહ્યા તેની સમીક્ષા કરવી છે. ત્યાગ અને તપસ્યાની ભૂમિ પર જન્મેલા, અને હસતા હસતા ફાંસી પર ચડી ગોળીઓ અને લાઠીઓનો માર સહન કરનારા અનેક નામી અનામી હજારો વીર જવાનોનું બલીદાન યાદ અપાવે છે અને પ્રશ્ન થાય છે શું કારણ છે કે આપણો આ મહાન દેશ આટલા વર્ષ ગુલામ રહ્યો. ખુબ મનોમંથન કર્યા પછી જે સવાલ મનમાં ઉઠ્યા છે તે આજે કલમ વડે કાગળ ઉપર ઉતાર્યા છે. અતીતનો રોષ અને મનમાં ઉભરતો શોક છે જેના કારણે કોઈ અતિશયોક્તિ થઇ ગયેલી જણાય તો માફ કરજો પણ પૂર્વજોની ભૂતકાળની ભૂલો ના કારણે આ મહાન દેશે બહુ ભોગવ્યું છે. કરોડ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ ભારત દેશ આજે 30 લાખ વર્ગ કિલોમીટરમાં સીમિત થઇ ને રહી ગયો છે ત્યારે આ કહેવું પડે છે.

આ દેશમાં કેવી કેવી મહાન વિભૂતિઓ એ જન્મ લીધો છતાં દેશ ગુલામ બન્યો. ચાણક્ય, લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, વીર શિવાજી, ભગતસિંહ, અને કેટલાંય વીરોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. કેટલીયે માતાઓએ પોતાના પનોતા પુત્ર આ દેશ પાર કુરબાન કર્યા છે. આટલા વર્ષોમાં ભારતના નકશા પર નજર કરશો તો દરેક જગ્યાએ લોહી અને યુદ્ધના શસ્ત્રો જ નજરે પડશે. આટલી આપદાઓ આવી છતાં આપણે કોઈ બોધ લીધો હોય તેમ લાગતું નથી. આપણાંમાં કોઈ ફેર નથી આપણે જેવા હતા તેવા ને તેવા જ છીએ. લાગે છે કે આપણે દુશ્મનોથી નથી હાર્યા આપણે કહેવાતા અહિંસાના પુજારીઓ અને તેમની ખોખલી માનસિકતાને લીધે હાર્યા છીએ અને દેશને ગુલામીમાં ધકેલ્યો છે.

ભારતના ઇતિહાસની પ્રથમ ભૂલ કે જેને આજના શૈક્ષણીક અભ્યાસક્રમમાં પણ ભણાવવામાં આવે છે કે સમ્રાટ અશોક મહાન રાજા હતો અને યુદ્ધમાં આટલી મોટી સંખ્યામાં હિંસા જોઈ તેનું હૃદય પરિવર્તન થયું અને તેણે શસ્ત્ર હેઠા મૂકી દીધા અને અહિંસા પરમો ધર્મનો સ્વીકાર કર્યો. જો આ ભૂલ અશોકે ના કરી હોત તો આ દેશનું ક્ષેત્રફળ 32 લાખ કિલોમીટરની જગ્યા એ એક કરોડ વર્ગ કિલોમીટર હોત. જે દેશનો રાજા અહિંસક થઇ જાય છે  તે દેશની પ્રજા નપુંસક બની જાય છે. ના લોહી જોઈ તેનું હૃદય પીગળ્યું હોત ના આરબથી સેના અહીં આવત અને આપણા ઉપર આટલા આક્રમણ થયા હોત .આજે આતંકવાદ જ્યાંથી ફેલાવવામાં આવે છે તે ભૂમિ એક સમયે ભારતની જ ભૂમિ હતી. ધર્મના નામે આટલો ત્રાસવાદ કોને ફેલાવ્યો? આનાં માટે જવાબદાર કોણ? વિશ્વગુરુ કહેવાતા આપણે જ આના માટે જવાબદાર છીએ. વિશ્વગુરુને છાજે તેવું વર્તન ના કરી શક્યાં, જરુર પડે પરશુરામની જેમ શસ્ત્રોના ઉપાડી શકયા અને સંન્યાસ ધારણ કરીને અહિંસાના ગુણગાન ગાવા માંડયા અને ભારત ગુલામ બન્યું. આ દેશની પ્રજાએ ભૂલોનું પરિવર્તન જ કર્યા કર્યું છે અને ભૂલો માંથી પણ કાંઈ જ શીખ્યા નથી.

ગાંધીજી રાષ્ટ્રપિતા છે. ભારતનું નામ સમગ્ર વિશ્વમાં બાપુ એ ગર્વથી ઊંચું કર્યું છે એ વાત માં કોઈ શંકા નથી, બાપુના આદર્શથી આ વિશ્વમાં કોણ અજાણ છે. આજના નેતાઓની જેમ બાપુએ ઇચ્છયું હોત તો એશોઆરામની જીંદગી જીવી શક્યા હોત પણ બાપુએ તો એક પોતડી માં આખું જીવન વિતાવ્યું અને અંગ્રેજોને આ દેશમાંથી ભગાડયા. બાપુના વિરોધીઓ ગદ્દાર સમાન જ ગણાય. પણ આ દેશના ભાગલા પડયા તે વાત યાદ આવતાં જ મન ખિન્ન થઇ જાય છે. ભારતમાતા ની છાતી પાર જાણે આરી કે કરવત ફેરવવામાં આવી અને આ દેશના બે ટુકડા થયા. બાપુ તમે હોવા છતાં? તમે જો ધાર્યું હોત તો આ ભાગલા રોકી શક્યા હોત અને ભાગલા રોકીનાં શક્યા તો કઈ નહિ પણ ભાગલા તો સરખા કર્યા હોત, ભારતને હિન્દુસ્તાન જ બનવા દીધું હોત ! તો આ દેશનું ચિત્ર કઈંક અલગ હોત. આ કૃત્ય વખતે સમગ્ર સૃષ્ટિને શરમ આવી હશે. ભાગલા વખતે હજારો લાખો લોકોની હત્યા કરવામાં આવી, સ્ત્રીઓ ઉપર બળાત્કાર અને જે અત્યાચાર થયાં તે અહીં લખી શકાય તેમ નથી. નિર્દોષોના મોત થયાં તેના માટે જવાબદાર કોણ?  બંને ગાલ પર થપ્પડ પડે ત્યારે જો એક થપ્પડ તો સામે મારવી એવું શીખવાડયું હોત તો ભારતનો ઇતિહાસ કઈંક જુદો હોત. પણ અહીં તો થપ્પડોના મારથી ગાલ સુજી ગયા પણ અહિંસા પરમો ધર્મઃ નું સૂત્ર ના છૂટ્યું તે ના જ છૂટ્યું. એક નાનકડા દેશ ઇઝરાઈલ પાસેથી આટલું તો શીખ્યા હોત કે દુશ્મન દેશોની વચ્ચે ઘેરાયેલા છતાં દાદાગીરી થી કેમનું જીવવું.  

70 વર્ષથી ભારતમાતાના માથામાં એકધારો દુખાવો થતો હતો તે કલમ 370 દૂર થઇ છે કાશ્મીર આજે ભારતનું અંગ બન્યું છે અને હવે મારો દેશ સાચા અર્થમાં સંપૂર્ણ આઝાદ થયો છે. એક દેશ એક તિરંગો એક પ્રધાન આ ઉક્તિ સાચી ઠરી છે.  સાડાચાર લાખ કાશ્મીરી પંડિતોને મારીને કાશ્મીરમાંથી ભગાડી મુકવામાં આવ્યાં. ભારત માતાના પુત્રો આજે પણ શરણાર્થીની જેમ રાહત શિબિરમાં જીવનવિતાવી રહ્યા છે. વર્તમાન સરકારને અરજ કે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને ન્યાય મળે અને એમનું ઘર પાછું મળે. કાશ્મીરમાં દરરોજ ખુલ્લેઆમ તિરંગાનું અપમાન થતું. આ દેશને સરદાર પટેલની ફરી એક વાર જરૂર હતી, 70 વર્ષથી આ દેશની પ્રજા સિંહાસન પાસે હિમ્મત અને ખુદ્દારીની અપેક્ષા રાખતી હતી. વર્તમાન સરકાર દ્વારા સંવિધાનમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે જોઈએ કોના બાપની તાકાત છે કે કાશ્મીરમાં તિરંગાનું અપમાન કરી શકે કે પાકિસ્તાન જિંદાબાદ બોલી શકે.

જય હિન્દ વંદે માતરમ 

દિપક પંડયા


Saturday, August 8, 2020

શ્રી રામ મંદિર શીલાન્યાસ દિવસ

 શ્રાવણ વદ ૪, વિક્રમ સંવંત ૨૦૭૬ - શ્રી રામ મંદિર શીલાન્યાસ દિવસ

નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 15-08-2020 ના રોજ પ્રકાશિત

પાંચ સદીનો સંઘર્ષ ૫ ઓગસ્ટ ૨૦૨૦ માં પૂર્ણ થયો. શ્રી રામ લલ્લાના મંદિરનો શીલાન્યાસ આજ રોજ ભવ્ય રીતે સંપન્ન થયો. આખું ભારત વર્ષ આજે દિવાળી માનવી રહ્યું હોય તેમ ખુશ છે. પણ જાણો છો આજે સહુ થી વધુ ખુશ કોણ હશે? "રામ કાજુ કિન્હેં બિનુ મોહી કહાં વિશ્રામ" કહેનાર રામ ભક્ત હનુમાન. પ્રભુ રામ ને જીવન સમર્પિત કરનાર રામ ભક્ત હનુમાન. શ્રી રામના જીવનમાં બે એવી ભયંકર સંકટની સ્થિતિ આવી ત્યારે હનુમાન સંકટ મોચન બની ને સામે આવ્યા હતાં અને સમસ્યાનું સમાધાન કરી આપ્યું હતું. એક જયારે માતા સીતાનું અપહરણ કરીને રાવણ તેમને સમુદ્ર પાર લંકામાં લઇ ગયો હતો ત્યારે સીતા માતા ની શોધ કરી. અને બીજી વાર જયારે યુદ્ધ દરમ્યાન લક્ષ્મણ મૂર્છિત થઇ જાય છે અને મૂર્છા ભંગ કરવા માટે સંજીવની જડીબુટ્ટીની જરૂર હતી ત્યારે હનુમાન લંકાથી છેક હિમાલય એક જ રાતમાં પહોચી અને આખો પર્વત ઉઠાવી ને લંકા પાછા આવ્યા હતાં અને લક્ષ્મણની મૂર્છા ભંગ કરી હતી. આ કાર્ય કરવા માટે વૈદ્ય સુષેણે જે સંજીવની જડીબુટી નું વર્ણન કર્યું અને કહ્યું કે સૂર્યોદયના પહેલાં કિરણ પહેલા આ કાર્ય પૂર્ણ થાય તો જ લક્ષ્મણનાં પ્રાણ બચી શકશે. રામ ભગવાને હનુમાનને વિનંતી કરી કે આ કાર્ય તમારાં સિવાય કોઈ નહિ કરી શકે. અને જો લક્ષ્મણ ને કઈ થઇ ગયું તો હું અયોધ્યા જઈને માતા સુમિત્રાને શું કહીશ. આટલી મોટી જવાબદારી લઇને હનુમાન લંકાથી સંજીવની જડીબુટી લેવા માટે ઉડયા અને મનમાં એક જ વિચાર કે સૂર્યોદય પહેલાં લંકા પરત પહોચવું અને એ પણ સંજીવની જડીબુટ્ટી લઈને. આપણે બધા જાણીએ જ છીએ કે હનુમાને આ કાર્ય ને ખુબ સરસ રીતે પૂર્ણ કર્યું અને લક્ષ્મણના પ્રાણ બચી ગયાં. હનુમાનનું પરાક્રમતો જુવો કે વૈદ્ય સુષેણે જે સંજીવની જડીબુટીનું વર્ણન કર્યું હતું તેવી ઔષધી આખા પર્વત પર ના ઓળખી શકતા આખે આખું ઔષધાલય (મેડીકલ સ્ટોર) ઉપાડી ને લંકા લઇ લાવ્યા.

આકાશમાં ઉડતા વેત હનુમાને સૂર્યનારાયણ સાથે જે સંવાદ કર્યો અને જેમાં પ્રાર્થના અને ધમકી બંનેનો સમાવેશ છે જે કવિતા રૂપે પ્રસ્તુત કરવી છે.    

સૂર્યદેવ સુનો અરજ, હાલ  સંકટ એક સૂર્યવંશી પર છે,

લંકા રૂપી રાહુનું ગ્રહણ હાલ આ દિનેશ અંશ પર છે.


મારા આવ્યા પહેલા જો તમારાં કિરણો નો ચમત્કાર થશે

તો સૂર્ય વંશ માં જોઈ લેજો સાચે જ ઘોર અંધકાર થશે


પ્રગટ થાજો ત્યારે જ દિનકર જયારે સંકટ ની રાત મટાડું

છુપાયેલા રહેજો ભગવાન જ્યાં સુધી બુટ્ટી ના પહોચાડું


રામકાજ માં મદદ કાજે હે રવિ સાથ તમારો માંગુ છું

જિદ્દી છું હું,  જો નહીં માનો તો યાદ કંઈક કરાવું શું?


માફ કરજો દિનકર કે આ એજ અંજની નો જાયો  છે

નાનપણથી જાણો  છો આ બજરંગ ઘણો નટખટ છે


ફળ સમજી આરોગવા ફરી એ જ હનુમાન તૈયાર હશે

બંદી થી છુટકારો પછી તો લક્ષ્મણ ઉઠશે ત્યારે જ થશે


કાવ્યની પ્રથમ ત્રણ પંક્તિમાં વિનંતી અને પ્રાર્થનાનો સ્વર છે કે હે સૂર્યદેવ એક અરજ છે અને એ યાદ રાખજો કે આજે જે આ સંકટ આવ્યું છે એ સુર્યવંશ પર છે, પ્રભુ શ્રી રામ એક બહુ જ મોટા સંકટ માં છે અને તે પણ સુર્યવંશ ના જ છે. તેમના નાના ભાઈ લક્ષ્મણ યુદ્ધમાં લંકા રૂપી ગ્રહણ થી ગ્રસ્ત થઇ ને મૂર્છિત થયા છે. એટલે હે સૂર્યનારાયણ જો મારા પાછા આવ્યા પહેલા તમારી કિરણ જો લંકામાં પડી તો સૂર્યવંશ માં સાચે જ ઘોર અંધકાર થઇ જશે. માટે હે દિનકર હું જ્યાં સુધી સંજીવની જડીબુટ્ટી લઇ ને ના આવું અને પ્રભુ શ્રી રામ પર આવેલું આ સંકટ દુર ના કરું ત્યાં સુધી વિનંતી છે કે છુપાયેલા જ રહેજો, અને ભાઈ લક્ષ્મણ જયારે બેઠા થાય ત્યારે જ પ્રગટ થાજો.

હવે ની પંક્તિઓમાં ભગવાન સૂર્યનારાયણ ને ભક્ત હનુમાન કહે છે કે હું પ્રભુ રામના આ કાર્ય માટે તમારો સાથ માંગું છું, અને બીજી ત્રણ પંક્તિઓમાં મહાવીર હનુમાન પોતાનો પરિચય આપતા કહે છે કે આમ તો તમે મને જાણો જ છો, આમાં પોતાનું બળ, સાહસ અને શોર્ય બતાવતા કે છે કે માફ કરજો દિનકર હું એજ અંજની પુત્ર હનુમાન છું અને તમે બાલ્યકાળ થી મારાં થી પરિચિત છો જ. હું એ જ હનુમાન છું જેને સવારમાં ભૂખ લાગી હતી અને માતા અંજની કોઈ કામ માં વ્યસ્ત હતાં અને નાસ્તો આપવામાં થોડી વાર કરી હતી અને હું ત્યારે તમને ફળ સમજીને લગભગ તમારું ભોજન કરી જ જવાનો હતો. આજે પણ એ હનુમાનને તમને મુખમાં મૂકી દેતા સહેજ પણ વાર નહિ લાગે અને તમારો છુટકારો પણ હું ત્યારે જ કરીશ જયારે ભાઈ લક્ષ્મણ ની મૂર્છા ભંગ થશે અને એ બેઠા થશે.

આ કળિયુગમાં જાગ્રત દેવ હનુમાન છે. હનુમાનજીની ભક્તિજ દરેક સંકટથી મુક્તિ અપાવવામાં સક્ષમ છે. હનુમાન કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ શનિવાર અને મંગળવારે કરવો. સીતારામ

દીપક પંડયા


Saturday, August 1, 2020

ધ્યાન – સાક્ષીભાવ


આજ નો માનવી ચેતનાનો વિકાસ કરી શક્યો નથી. મનની અંદર ચાલતા વિષચક્રને તે ભેદી શકતો નથી. પ્રેમ અને ક્ષમાના ગુણો તેણે કેળવ્યા નથી. પોતાની અંદર પ્રકટ થતાં આ ઝેરને શમાવવા માટે તેણે ધ્યાન કરવું આવશ્યક છે. માણસ જો ધ્યાનમાં બેસવાની ટેવ પાડે તો આ ઝેર ધીમેધીમે નાશ પામે છે. ચિત્તની શાંતિ માટે ધ્યાન આવશ્યક છે. તેનાથી સ્થૂળશરીરનું દબાણ ઘટે છે. ધ્યાનમાં બેસવા માટે સંસાર છોડવો પડે એવું નથી. ધ્યાનથી મન અને શરીર બંને તંદુરસ્ત રહે છે. આ વાક્યો પૂજ્ય ગુરુદેવ શ્રી વિભાકરભાઈ પંડયા ના પુસ્તક આજ્ઞાચક્ર ના છે. ધ્યાન એટલે શું? ધ્યાન કરી રીતે કરાય તેની સચોટ અને સરળ રીત આ પુસ્તકમાં આપવામાં આવી છે. કઇ કરતા કઈ ના કરવું એનું નામ ધ્યાન. ના શરીર થી ના મન થી. ધ્યાન માટે ની આટલી સાચી અને સરળ સમજ આચાર્ય રજનીશ "ઓશો" પછી પૂજ્ય ગુરુદેવ શ્રી વિભાકરભાઈ પંડયા એ આપી છે. ધ્યાન એટલે સાક્ષીભાવ કેળવવો.
આજકાલ ધ્યાન શીખવવા માટે ની હોડ ચાલી છે. ઠેર ઠેર ધ્યાન ના વર્ગ શરુ થયાં છે. પણ સાચી ધ્યાન કરવાની રીત ભાગ્યેજ કોઈ સમજાવી કે શીખવાડી શકે છે. એટલે થાય છે એમ કે ધ્યાન વિષે આપણી પાસે એટલી બધી માહિતી ભેગી થઇ જાય છે અને આપણે એટલા ગુંચવાઈ જઈએ છીએ કે ધ્યાન એક બહુ મોટી વાત અને ગૃહસ્થાશ્રમ માં રહી ને ધ્યાન કરી જ ના શકાય તેવું માનવા લાગીએ છીએ. ધ્યાન તો યોગ ના જાણકાર કે જે પ્રાણાયામ અને યોગ ની સુક્ષ્મ વાતો જાણનાર જ કરી શકે એમ માનવા લાગીએ છીએ. આને વિસ્તાર થી સમજીએ. બાલમંદિર માં આપણે બધા કક્કો બારાક્ષરી શીખ્યા. ક કમળ નો ક, ગ ગણપતિ નો ગ, એજ પ્રમાણે આખો કક્કો. કક્કો શીખવા માટે દરેક વખતે ક બોલતા પહેલાં ક કમળ નો ક બોલવું એ બરાબર હતું. પણ એ ફક્ત કક્કો શીખવા માટે. એક વાર આવડી ગયા પછી આખી જીંદગી કોઈ પણ વાક્ય બોલતા પહેલા જિંદગીભર ક કમળ નો ક એમ દરેક વાર બોલીએ તો કેટલી મુશ્કેલી પડે એ સમજજો. આ રીતે બોલીએ તો વાક્ય ક્યારે પૂરું થાય અને વાર પણ કેટલી લાગે. પ્રથમ વર્ગ સુધી એ બરોબર છે કે ક કમળ નો ક એમ બોલીએ પણ પછી આગળ ના વર્ગ માં આવતા ક યાદ રાખવાનો છે અને કમળ ને  ભૂલવું પડે છે,  તો જ આપણે કક્કો શીખ્યા કહેવાઈએ. પણ જો ક એટલે કમળ એમાં જ બંધાયેલા રહી એ તો કદાચ શીખી શક્યા નથી અને એમાં જ બંધાયેલા છીએ. એ જ પ્રમાણે ભગવાન છે જ. પૂજા પાઠ બધું બરાબર પણ શીખવા સુધી. પણ એમની સામેજ બંધાઈ ને જ બેસી રહેવું યોગ્ય છે? જીંદગી ભાર હનુમાન ચાલીસા ના જ પાઠ કર કર કરીશું તો જીંદગી વ્યર્થ જશે, જો સાક્ષીભાવ નહિ કેળવી શકીએ. જીવન સાર્થક તેનું જ છે જેણે સાક્ષીભાવ કેળવ્યો. સાક્ષીભાવ નું ઉત્તમ ઉદાહરણ એટલે રામકૃષ્ણ પરમહંસ. 
રામકૃષ્ણ પરમહંસ ને ગળાનું કેન્સર હતું. જીવન ના છેલ્લા દિવસો માં તો ખાવું દુર પાણી પણ પી શકવું મુશ્કેલ બન્યું હતું. આ પીડા જોઈ ને વિવેકાનંદે કહ્યું તમે માં કાલી ને કેમ કહેતા નથી? એકવાર તમે માં ને કહેશો તો બધું ઠીક થઇ જશે. શા માટે દુ:ખ સહન કરો છો. રામકૃષ્ણ ફફ્ત હળવું સ્મિત આપતા. કેમ કે વિવેકાનંદ ને બહાર થી દેખાય છે કે મહા ભયંકર દુઃખ છે કેમ કે એમને સાક્ષીભાવ વિષે કઈ ખબર નથી, અને રામકૃષ્ણ ને અંદર થી કોઈ પીડા થી. બાહ્ય દુઃખ વિવેકાનંદ જુવે છે જયારે રામકૃષ્ણ દુઃખ ની બહાર છે. વિવેકાનંદ અનુભવે છે કે કેટલી પીડા છે, પાણી પણ નથી પી શકાતું. પરમહંસ ને આટલું દુઃખ કેમ? 
રોજે વિવેકાનંદ કહેવા લાગ્યા, એટલે રામકૃષ્ણ એ કહ્યું તું મારા દુઃખે આટલો દુઃખી થાય છે તો સારું હું આજે જ માં કાલી સાથે વાત કરી લઉં છું અને થોડી વાર આંખો બંધ કરી અને પછી આંખો ખોલી ને કહ્યું મેં આજે માં સાથે વાત કરી. આ ફક્ત વિવેકાનંદ ને સમજવવા માટે નો સંવાદ છે. કેમ જે સાક્ષીભાવ ને જાણતા હોય એ કાલી ને શું વાત કરે, આવા પરમહંસ માટે તો સુખ દુ:ખ આ બધા બાળકો ના ખેલ છે. રામકૃષ્ણ તો વિવેકાનંદ સમજી શકે તે માટે કહે છે માં કાલી મને બહુ બોલ્યા, કહ્યું તું જ્ઞાની થઇ ને આવી અજ્ઞાન ની વાતો કેમ કે છે. બહુ નારાજ થયા માં મારા થી, અને કહ્યું હવે આવી વાત બીજી વખત ના કરતો. તારા આ એક ગળામાં પાણી જવાનું બંધ થયું તો સંસાર માં તો બહુ બધા કંઠ ઉપલબ્ધ છે. એ બધા પણ તો તારા જ ગળા છે. તેમાં થી પાણી પી લે. વિવેકાનંદ નું ગળું એ પણ તારું જ ગળું છે તેના વડે પાણી પી લે. તારા ગળા વડે ઘણું કામ કર્યું ક્યાં સુધી આમ અટકી રહીશ? જયારે તરસ લાગે એના કંઠ વડે પાણી પી લે જે. રામકૃષ્ણ એ કહ્યું હવે મને તરસ લાગે ત્યારે તું પાણી પી લેજે. આ વાત ફક્ત વિવેકાનંદ ને સાક્ષીભાવ ની સમજ આપવા માટે કહી છે. બાકી પરમ નું જ્ઞાન પ્રાપ્ત કરનાર માં કાલી પાસે આવી વાત કરે? રામકૃષ્ણ એ સમજાવ્યું કે મને કોઈ પીડા થઇ જ નથી રહી, તું પાણી પી લે જે મારું કામ થઇ જશે. તું પીવે કે હું બધું સમાન જ છે. રામકૃષ્ણ બધા ને આત્મ સ્વરૂપ જુવે છે. સાક્ષી થવા થી બધું જ આત્મ રૂપ થઇ જાય છે અને બધું જ પ્રાપ્ત કરી લે છે. 

સાક્ષીભાવ એ નાની એવી પ્રક્રિયા છે. ધ્યાન માટે ની નાની અમથી ચાવી. આજ જુવો તો ચાવી હમેશા નાની જ હોય છે તાળા જ મોટા હોય છે. ભેદ નાનો અમથો હોય છે સમજ માં આવે અને બધા તાળા ખુલવા માંડે. ઉપર વાત કરી એ પ્રમાણે ધ્યાનની સમજ અને શીખવનારા એટલું બધું સમજાવે છે ધ્યાન  વિષે એટલે કે તાળા વિષે પણ ચાવી આપતા નથી એટલે આપણી મુશ્કેલી શરુ થાય છે. આપણે તાળા ને ચાવી વડે નહિ પણ હથોડી વડે ખોલવાના પ્રયત્નો કરવા માંડીએ છીએ આના કારણે તાળું તો ખુલતું નથી પણ એ બગડી જતા ચાવી હાથ માં આવે ત્યારે તાળા ની હાલત એવી થઇ જાય છે કે એ ખુલી શકતું નથી. એટલે ચાવી મળે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. બાકી ચાવી એટલે જીવન ના દરેક ક્ષણ માં સાક્ષીભાવ. 
ચાલતા સમયે જાગી ને ચાલો, જે ચાલી રહ્યું છે એ શરીર. હું ફક્ત દર્શક છું. શરીર ચાલી રહ્યું છે. પગ ઉઠે ત્યારે જુવો કે ડાબો પગ ઉઠ્યો પછી જમણો. ખાલી જોયા કરો. આજ પ્રમાણે જીવનની દરેક ઘટના ને સાક્ષી બની ને જોયા કરો. સારા વિચાર આવે તો ખુશ ના થાઓ અને ખરાબ વિચાર આવે તો દુઃખી ના થાઓ. જે રીતે સિનેમા ગૃહ માં કોઈ ફિલ્મ ચાલતી હોય અને જે પ્રમાણે જોઈએ એજ પ્રમાણે બધું જોતા રહો. ધીરે ધીરે શરીર અને આત્મા બંને અલગ છે એ સમજ માં આવવા લાગશે. મનુષ્ય જીવન નું લક્ષ્ય એક માત્ર એ આત્મસાક્ષાત્કાર છે. ધ્યાન દરમીયાન મન ને જોયા કરવા થી મન થી પણ છુટકારો મળી જશે અને ધીમે ધીમે અંદર એક નવી વસ્તુ પેદા થશે અને એક નવું સુત્ર જાણવા મળશે સાક્ષી નું દ્રષ્ટા નું.