આજ નો માનવી ચેતનાનો વિકાસ કરી શક્યો નથી. મનની અંદર ચાલતા વિષચક્રને તે ભેદી શકતો નથી. પ્રેમ અને ક્ષમાના ગુણો તેણે કેળવ્યા નથી. પોતાની અંદર પ્રકટ થતાં આ ઝેરને શમાવવા માટે તેણે ધ્યાન કરવું આવશ્યક છે. માણસ જો ધ્યાનમાં બેસવાની ટેવ પાડે તો આ ઝેર ધીમેધીમે નાશ પામે છે. ચિત્તની શાંતિ માટે ધ્યાન આવશ્યક છે. તેનાથી સ્થૂળશરીરનું દબાણ ઘટે છે. ધ્યાનમાં બેસવા માટે સંસાર છોડવો પડે એવું નથી. ધ્યાનથી મન અને શરીર બંને તંદુરસ્ત રહે છે. આ વાક્યો પૂજ્ય ગુરુદેવ શ્રી વિભાકરભાઈ પંડયા ના પુસ્તક આજ્ઞાચક્ર ના છે. ધ્યાન એટલે શું? ધ્યાન કરી રીતે કરાય તેની સચોટ અને સરળ રીત આ પુસ્તકમાં આપવામાં આવી છે. કઇ કરતા કઈ ના કરવું એનું નામ ધ્યાન. ના શરીર થી ના મન થી. ધ્યાન માટે ની આટલી સાચી અને સરળ સમજ આચાર્ય રજનીશ "ઓશો" પછી પૂજ્ય ગુરુદેવ શ્રી વિભાકરભાઈ પંડયા એ આપી છે. ધ્યાન એટલે સાક્ષીભાવ કેળવવો.
આજકાલ ધ્યાન શીખવવા માટે ની હોડ ચાલી છે. ઠેર ઠેર ધ્યાન ના વર્ગ શરુ થયાં છે. પણ સાચી ધ્યાન કરવાની રીત ભાગ્યેજ કોઈ સમજાવી કે શીખવાડી શકે છે. એટલે થાય છે એમ કે ધ્યાન વિષે આપણી પાસે એટલી બધી માહિતી ભેગી થઇ જાય છે અને આપણે એટલા ગુંચવાઈ જઈએ છીએ કે ધ્યાન એક બહુ મોટી વાત અને ગૃહસ્થાશ્રમ માં રહી ને ધ્યાન કરી જ ના શકાય તેવું માનવા લાગીએ છીએ. ધ્યાન તો યોગ ના જાણકાર કે જે પ્રાણાયામ અને યોગ ની સુક્ષ્મ વાતો જાણનાર જ કરી શકે એમ માનવા લાગીએ છીએ. આને વિસ્તાર થી સમજીએ. બાલમંદિર માં આપણે બધા કક્કો બારાક્ષરી શીખ્યા. ક કમળ નો ક, ગ ગણપતિ નો ગ, એજ પ્રમાણે આખો કક્કો. કક્કો શીખવા માટે દરેક વખતે ક બોલતા પહેલાં ક કમળ નો ક બોલવું એ બરાબર હતું. પણ એ ફક્ત કક્કો શીખવા માટે. એક વાર આવડી ગયા પછી આખી જીંદગી કોઈ પણ વાક્ય બોલતા પહેલા જિંદગીભર ક કમળ નો ક એમ દરેક વાર બોલીએ તો કેટલી મુશ્કેલી પડે એ સમજજો. આ રીતે બોલીએ તો વાક્ય ક્યારે પૂરું થાય અને વાર પણ કેટલી લાગે. પ્રથમ વર્ગ સુધી એ બરોબર છે કે ક કમળ નો ક એમ બોલીએ પણ પછી આગળ ના વર્ગ માં આવતા ક યાદ રાખવાનો છે અને કમળ ને ભૂલવું પડે છે, તો જ આપણે કક્કો શીખ્યા કહેવાઈએ. પણ જો ક એટલે કમળ એમાં જ બંધાયેલા રહી એ તો કદાચ શીખી શક્યા નથી અને એમાં જ બંધાયેલા છીએ. એ જ પ્રમાણે ભગવાન છે જ. પૂજા પાઠ બધું બરાબર પણ શીખવા સુધી. પણ એમની સામેજ બંધાઈ ને જ બેસી રહેવું યોગ્ય છે? જીંદગી ભાર હનુમાન ચાલીસા ના જ પાઠ કર કર કરીશું તો જીંદગી વ્યર્થ જશે, જો સાક્ષીભાવ નહિ કેળવી શકીએ. જીવન સાર્થક તેનું જ છે જેણે સાક્ષીભાવ કેળવ્યો. સાક્ષીભાવ નું ઉત્તમ ઉદાહરણ એટલે રામકૃષ્ણ પરમહંસ.
રામકૃષ્ણ પરમહંસ ને ગળાનું કેન્સર હતું. જીવન ના છેલ્લા દિવસો માં તો ખાવું દુર પાણી પણ પી શકવું મુશ્કેલ બન્યું હતું. આ પીડા જોઈ ને વિવેકાનંદે કહ્યું તમે માં કાલી ને કેમ કહેતા નથી? એકવાર તમે માં ને કહેશો તો બધું ઠીક થઇ જશે. શા માટે દુ:ખ સહન કરો છો. રામકૃષ્ણ ફફ્ત હળવું સ્મિત આપતા. કેમ કે વિવેકાનંદ ને બહાર થી દેખાય છે કે મહા ભયંકર દુઃખ છે કેમ કે એમને સાક્ષીભાવ વિષે કઈ ખબર નથી, અને રામકૃષ્ણ ને અંદર થી કોઈ પીડા થી. બાહ્ય દુઃખ વિવેકાનંદ જુવે છે જયારે રામકૃષ્ણ દુઃખ ની બહાર છે. વિવેકાનંદ અનુભવે છે કે કેટલી પીડા છે, પાણી પણ નથી પી શકાતું. પરમહંસ ને આટલું દુઃખ કેમ?
રોજે વિવેકાનંદ કહેવા લાગ્યા, એટલે રામકૃષ્ણ એ કહ્યું તું મારા દુઃખે આટલો દુઃખી થાય છે તો સારું હું આજે જ માં કાલી સાથે વાત કરી લઉં છું અને થોડી વાર આંખો બંધ કરી અને પછી આંખો ખોલી ને કહ્યું મેં આજે માં સાથે વાત કરી. આ ફક્ત વિવેકાનંદ ને સમજવવા માટે નો સંવાદ છે. કેમ જે સાક્ષીભાવ ને જાણતા હોય એ કાલી ને શું વાત કરે, આવા પરમહંસ માટે તો સુખ દુ:ખ આ બધા બાળકો ના ખેલ છે. રામકૃષ્ણ તો વિવેકાનંદ સમજી શકે તે માટે કહે છે માં કાલી મને બહુ બોલ્યા, કહ્યું તું જ્ઞાની થઇ ને આવી અજ્ઞાન ની વાતો કેમ કે છે. બહુ નારાજ થયા માં મારા થી, અને કહ્યું હવે આવી વાત બીજી વખત ના કરતો. તારા આ એક ગળામાં પાણી જવાનું બંધ થયું તો સંસાર માં તો બહુ બધા કંઠ ઉપલબ્ધ છે. એ બધા પણ તો તારા જ ગળા છે. તેમાં થી પાણી પી લે. વિવેકાનંદ નું ગળું એ પણ તારું જ ગળું છે તેના વડે પાણી પી લે. તારા ગળા વડે ઘણું કામ કર્યું ક્યાં સુધી આમ અટકી રહીશ? જયારે તરસ લાગે એના કંઠ વડે પાણી પી લે જે. રામકૃષ્ણ એ કહ્યું હવે મને તરસ લાગે ત્યારે તું પાણી પી લેજે. આ વાત ફક્ત વિવેકાનંદ ને સાક્ષીભાવ ની સમજ આપવા માટે કહી છે. બાકી પરમ નું જ્ઞાન પ્રાપ્ત કરનાર માં કાલી પાસે આવી વાત કરે? રામકૃષ્ણ એ સમજાવ્યું કે મને કોઈ પીડા થઇ જ નથી રહી, તું પાણી પી લે જે મારું કામ થઇ જશે. તું પીવે કે હું બધું સમાન જ છે. રામકૃષ્ણ બધા ને આત્મ સ્વરૂપ જુવે છે. સાક્ષી થવા થી બધું જ આત્મ રૂપ થઇ જાય છે અને બધું જ પ્રાપ્ત કરી લે છે.
સાક્ષીભાવ એ નાની એવી પ્રક્રિયા છે. ધ્યાન માટે ની નાની અમથી ચાવી. આજ જુવો તો ચાવી હમેશા નાની જ હોય છે તાળા જ મોટા હોય છે. ભેદ નાનો અમથો હોય છે સમજ માં આવે અને બધા તાળા ખુલવા માંડે. ઉપર વાત કરી એ પ્રમાણે ધ્યાનની સમજ અને શીખવનારા એટલું બધું સમજાવે છે ધ્યાન વિષે એટલે કે તાળા વિષે પણ ચાવી આપતા નથી એટલે આપણી મુશ્કેલી શરુ થાય છે. આપણે તાળા ને ચાવી વડે નહિ પણ હથોડી વડે ખોલવાના પ્રયત્નો કરવા માંડીએ છીએ આના કારણે તાળું તો ખુલતું નથી પણ એ બગડી જતા ચાવી હાથ માં આવે ત્યારે તાળા ની હાલત એવી થઇ જાય છે કે એ ખુલી શકતું નથી. એટલે ચાવી મળે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. બાકી ચાવી એટલે જીવન ના દરેક ક્ષણ માં સાક્ષીભાવ.
ચાલતા સમયે જાગી ને ચાલો, જે ચાલી રહ્યું છે એ શરીર. હું ફક્ત દર્શક છું. શરીર ચાલી રહ્યું છે. પગ ઉઠે ત્યારે જુવો કે ડાબો પગ ઉઠ્યો પછી જમણો. ખાલી જોયા કરો. આજ પ્રમાણે જીવનની દરેક ઘટના ને સાક્ષી બની ને જોયા કરો. સારા વિચાર આવે તો ખુશ ના થાઓ અને ખરાબ વિચાર આવે તો દુઃખી ના થાઓ. જે રીતે સિનેમા ગૃહ માં કોઈ ફિલ્મ ચાલતી હોય અને જે પ્રમાણે જોઈએ એજ પ્રમાણે બધું જોતા રહો. ધીરે ધીરે શરીર અને આત્મા બંને અલગ છે એ સમજ માં આવવા લાગશે. મનુષ્ય જીવન નું લક્ષ્ય એક માત્ર એ આત્મસાક્ષાત્કાર છે. ધ્યાન દરમીયાન મન ને જોયા કરવા થી મન થી પણ છુટકારો મળી જશે અને ધીમે ધીમે અંદર એક નવી વસ્તુ પેદા થશે અને એક નવું સુત્ર જાણવા મળશે સાક્ષી નું દ્રષ્ટા નું.

No comments:
Post a Comment