શ્રાવણ વદ ૪, વિક્રમ સંવંત ૨૦૭૬ - શ્રી રામ મંદિર શીલાન્યાસ દિવસ
નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 15-08-2020 ના રોજ પ્રકાશિત
પાંચ સદીનો સંઘર્ષ ૫ ઓગસ્ટ ૨૦૨૦ માં પૂર્ણ થયો. શ્રી રામ લલ્લાના મંદિરનો શીલાન્યાસ આજ રોજ ભવ્ય રીતે સંપન્ન થયો. આખું ભારત વર્ષ આજે દિવાળી માનવી રહ્યું હોય તેમ ખુશ છે. પણ જાણો છો આજે સહુ થી વધુ ખુશ કોણ હશે? "રામ કાજુ કિન્હેં બિનુ મોહી કહાં વિશ્રામ" કહેનાર રામ ભક્ત હનુમાન. પ્રભુ રામ ને જીવન સમર્પિત કરનાર રામ ભક્ત હનુમાન. શ્રી રામના જીવનમાં બે એવી ભયંકર સંકટની સ્થિતિ આવી ત્યારે હનુમાન સંકટ મોચન બની ને સામે આવ્યા હતાં અને સમસ્યાનું સમાધાન કરી આપ્યું હતું. એક જયારે માતા સીતાનું અપહરણ કરીને રાવણ તેમને સમુદ્ર પાર લંકામાં લઇ ગયો હતો ત્યારે સીતા માતા ની શોધ કરી. અને બીજી વાર જયારે યુદ્ધ દરમ્યાન લક્ષ્મણ મૂર્છિત થઇ જાય છે અને મૂર્છા ભંગ કરવા માટે સંજીવની જડીબુટ્ટીની જરૂર હતી ત્યારે હનુમાન લંકાથી છેક હિમાલય એક જ રાતમાં પહોચી અને આખો પર્વત ઉઠાવી ને લંકા પાછા આવ્યા હતાં અને લક્ષ્મણની મૂર્છા ભંગ કરી હતી. આ કાર્ય કરવા માટે વૈદ્ય સુષેણે જે સંજીવની જડીબુટી નું વર્ણન કર્યું અને કહ્યું કે સૂર્યોદયના પહેલાં કિરણ પહેલા આ કાર્ય પૂર્ણ થાય તો જ લક્ષ્મણનાં પ્રાણ બચી શકશે. રામ ભગવાને હનુમાનને વિનંતી કરી કે આ કાર્ય તમારાં સિવાય કોઈ નહિ કરી શકે. અને જો લક્ષ્મણ ને કઈ થઇ ગયું તો હું અયોધ્યા જઈને માતા સુમિત્રાને શું કહીશ. આટલી મોટી જવાબદારી લઇને હનુમાન લંકાથી સંજીવની જડીબુટી લેવા માટે ઉડયા અને મનમાં એક જ વિચાર કે સૂર્યોદય પહેલાં લંકા પરત પહોચવું અને એ પણ સંજીવની જડીબુટ્ટી લઈને. આપણે બધા જાણીએ જ છીએ કે હનુમાને આ કાર્ય ને ખુબ સરસ રીતે પૂર્ણ કર્યું અને લક્ષ્મણના પ્રાણ બચી ગયાં. હનુમાનનું પરાક્રમતો જુવો કે વૈદ્ય સુષેણે જે સંજીવની જડીબુટીનું વર્ણન કર્યું હતું તેવી ઔષધી આખા પર્વત પર ના ઓળખી શકતા આખે આખું ઔષધાલય (મેડીકલ સ્ટોર) ઉપાડી ને લંકા લઇ લાવ્યા.
આકાશમાં ઉડતા વેત હનુમાને સૂર્યનારાયણ સાથે જે સંવાદ કર્યો અને જેમાં પ્રાર્થના અને ધમકી બંનેનો સમાવેશ છે જે કવિતા રૂપે પ્રસ્તુત કરવી છે.
સૂર્યદેવ સુનો અરજ, હાલ સંકટ એક સૂર્યવંશી પર છે,
લંકા રૂપી રાહુનું ગ્રહણ હાલ આ દિનેશ અંશ પર છે.
મારા આવ્યા પહેલા જો તમારાં કિરણો નો ચમત્કાર થશે
તો સૂર્ય વંશ માં જોઈ લેજો સાચે જ ઘોર અંધકાર થશે
પ્રગટ થાજો ત્યારે જ દિનકર જયારે સંકટ ની રાત મટાડું
છુપાયેલા રહેજો ભગવાન જ્યાં સુધી બુટ્ટી ના પહોચાડું
રામકાજ માં મદદ કાજે હે રવિ સાથ તમારો માંગુ છું
જિદ્દી છું હું, જો નહીં માનો તો યાદ કંઈક કરાવું શું?
માફ કરજો દિનકર કે આ એજ અંજની નો જાયો છે
નાનપણથી જાણો છો આ બજરંગ ઘણો નટખટ છે
ફળ સમજી આરોગવા ફરી એ જ હનુમાન તૈયાર હશે
બંદી થી છુટકારો પછી તો લક્ષ્મણ ઉઠશે ત્યારે જ થશે
કાવ્યની પ્રથમ ત્રણ પંક્તિમાં વિનંતી અને પ્રાર્થનાનો સ્વર છે કે હે સૂર્યદેવ એક અરજ છે અને એ યાદ રાખજો કે આજે જે આ સંકટ આવ્યું છે એ સુર્યવંશ પર છે, પ્રભુ શ્રી રામ એક બહુ જ મોટા સંકટ માં છે અને તે પણ સુર્યવંશ ના જ છે. તેમના નાના ભાઈ લક્ષ્મણ યુદ્ધમાં લંકા રૂપી ગ્રહણ થી ગ્રસ્ત થઇ ને મૂર્છિત થયા છે. એટલે હે સૂર્યનારાયણ જો મારા પાછા આવ્યા પહેલા તમારી કિરણ જો લંકામાં પડી તો સૂર્યવંશ માં સાચે જ ઘોર અંધકાર થઇ જશે. માટે હે દિનકર હું જ્યાં સુધી સંજીવની જડીબુટ્ટી લઇ ને ના આવું અને પ્રભુ શ્રી રામ પર આવેલું આ સંકટ દુર ના કરું ત્યાં સુધી વિનંતી છે કે છુપાયેલા જ રહેજો, અને ભાઈ લક્ષ્મણ જયારે બેઠા થાય ત્યારે જ પ્રગટ થાજો.
હવે ની પંક્તિઓમાં ભગવાન સૂર્યનારાયણ ને ભક્ત હનુમાન કહે છે કે હું પ્રભુ રામના આ કાર્ય માટે તમારો સાથ માંગું છું, અને બીજી ત્રણ પંક્તિઓમાં મહાવીર હનુમાન પોતાનો પરિચય આપતા કહે છે કે આમ તો તમે મને જાણો જ છો, આમાં પોતાનું બળ, સાહસ અને શોર્ય બતાવતા કે છે કે માફ કરજો દિનકર હું એજ અંજની પુત્ર હનુમાન છું અને તમે બાલ્યકાળ થી મારાં થી પરિચિત છો જ. હું એ જ હનુમાન છું જેને સવારમાં ભૂખ લાગી હતી અને માતા અંજની કોઈ કામ માં વ્યસ્ત હતાં અને નાસ્તો આપવામાં થોડી વાર કરી હતી અને હું ત્યારે તમને ફળ સમજીને લગભગ તમારું ભોજન કરી જ જવાનો હતો. આજે પણ એ હનુમાનને તમને મુખમાં મૂકી દેતા સહેજ પણ વાર નહિ લાગે અને તમારો છુટકારો પણ હું ત્યારે જ કરીશ જયારે ભાઈ લક્ષ્મણ ની મૂર્છા ભંગ થશે અને એ બેઠા થશે.
આ કળિયુગમાં જાગ્રત દેવ હનુમાન છે. હનુમાનજીની ભક્તિજ દરેક સંકટથી મુક્તિ અપાવવામાં સક્ષમ છે. હનુમાન કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ શનિવાર અને મંગળવારે કરવો. સીતારામ
દીપક પંડયા

No comments:
Post a Comment