નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 15-08-2020 ના રોજ પ્રકાશિત
એક આશા હવે મનમાં જાગી છે કે દેશના પ્રધાન રાત્રે ૮ વાગે ટીવી ઉપર આવી ને કયારે કહે કે મિત્રો....... આજ રાત ૧૨ બજે સે દિલ્હી એન સી આર કી સીમાયે લાહોર તક બઢા દી જાયેગી. હવે આવું સંભાળવા માટે મન ઉત્સુક છે.
આઝાદી પર્વ પર આજે વીર સૈનિકો અને દેશ આટલા વર્ષ કેમ ગુલામ રહ્યો તેના કારણોની ચર્ચા કરવી છે.
વેતન હું અને તમે બંને લઈએ છીએ અને વેતન સરહદ પર ઉભો રહેનાર સૈનિક પણ લે છે. ફરક બંનેમાં ફક્ત એક માત્રાનો છે. આપણે વેતન માટે કામ કરીએ છીએ જયારે સૈનિક વતન માટે કામ કરે છે. મેં રામને નથી જોયાં કે નથી કૃષ્ણને જોયા. જરૂર એ આપણી રક્ષા કરતા હશે. પણ મેં તો દિવસ રાત આપણી રક્ષા કરતા ભારતના વીર સૈનિકોને જોયા છે જે રક્ષક દેવ સમાન જ છે અને તેમના જ કારણે દેશ સુરક્ષિત છે અને આપણે બધા સુખેથી જીવી શકીએ છીએ. આપણાં સૈનિકો હિંમતવાન, શોર્યવાન, સાહસિક છે જ તેમાં કોઈ બે મત નથી. 70 વર્ષમાં પ્રથમવાર રાજકીય ઇચ્છાશક્તિએ એનો પરિચય અને પરચો આપ્યો છે અને દુશ્મન દેશે ઘૂટણિયે પડીને આપણા એક વીર જવાનને સહી સલામત પાછો આપવો પડયો. એ વીર સપૂતનું નું નામ: વિંગ કમાન્ડર અભિનંદન. અભિનંદન ફાઈટર પ્લેન લઇને પાકિસ્તાનની સીમામાં ઘુસ્યા અને પકડાયા ત્યારે તેમને પુછાયેલો સવાલ. અમારી સીમામાં ફાઈટર પ્લેન લઇને શું કરવા આવ્યા હતા? અને 6 ફૂટ 2 ઇંચના આ નીડર જવાનનો જવાબ સાંભળીને છાતી ગર્વથી ફૂલી જશે; "હું એ બતાવવું ઉચિત નથી સમજતો કે હું શું કરવા અહીં આવ્યો છું". આ શોર્ય આપણાં વીર જવાનનું છે. આ ઘટનાથી પાડોશી દેશ અને આ પૂરું વિશ્વ સમજીજ ગયું છે કે આ 47 નું નહિ પણ એક નવું ભારત છે. જે સીમા પર અને સીમા પાર બંને જગ્યાએ લડી શકે છે અને જીતી શકે છે.
આવા જ સાહસિક જવાનોના લીધે હું અને તમેં આઝાદીથી ફરી શકીએ છીએ અને રાત્રે શાંતિથી સુઈ શકીએ છીએ. વીર અભિનંદને જે પરાક્રમ કર્યું હતું તે કાંઈ જેવું તેવું નહોતું, મિગ 21 કે જે 18 વર્ષ જૂની તકનીક વાળું ફાઈટર પ્લેન છે તેનાં વડે અમેરિકાએ ભીખમાં પાકિસ્તાનને આપેલ એફ 16 કે જે એકદમ નવીન તકનીકથી બનેલ હતું તેનો પીછો કર્યો અને તેને તોડી પાડયું. ભીખ માંગીને હથિયાર ખરીદી શકાય પણ ભારતના જવાન જેવું સિંહનું જીગર દુશ્મન દેશ ક્યાંથી લાવશે? યુદ્ધ પરાક્રમથી જીતાય છે હથિયારથી નહી એ આ જાંબાજ યોદ્ધાએ સમગ્ર વિશ્વ સમક્ષ સાબિત કરી આપ્યું.
આજે આપણો આઝાદી દિવસ છે. ભારત 1200 વર્ષ ગુલામ કેમ રહ્યું અને તેનાં શું કારણો રહ્યા તેની સમીક્ષા કરવી છે. ત્યાગ અને તપસ્યાની ભૂમિ પર જન્મેલા, અને હસતા હસતા ફાંસી પર ચડી ગોળીઓ અને લાઠીઓનો માર સહન કરનારા અનેક નામી અનામી હજારો વીર જવાનોનું બલીદાન યાદ અપાવે છે અને પ્રશ્ન થાય છે શું કારણ છે કે આપણો આ મહાન દેશ આટલા વર્ષ ગુલામ રહ્યો. ખુબ મનોમંથન કર્યા પછી જે સવાલ મનમાં ઉઠ્યા છે તે આજે કલમ વડે કાગળ ઉપર ઉતાર્યા છે. અતીતનો રોષ અને મનમાં ઉભરતો શોક છે જેના કારણે કોઈ અતિશયોક્તિ થઇ ગયેલી જણાય તો માફ કરજો પણ પૂર્વજોની ભૂતકાળની ભૂલો ના કારણે આ મહાન દેશે બહુ ભોગવ્યું છે. કરોડ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ ભારત દેશ આજે 30 લાખ વર્ગ કિલોમીટરમાં સીમિત થઇ ને રહી ગયો છે ત્યારે આ કહેવું પડે છે.
આ દેશમાં કેવી કેવી મહાન વિભૂતિઓ એ જન્મ લીધો છતાં દેશ ગુલામ બન્યો. ચાણક્ય, લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, વીર શિવાજી, ભગતસિંહ, અને કેટલાંય વીરોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. કેટલીયે માતાઓએ પોતાના પનોતા પુત્ર આ દેશ પાર કુરબાન કર્યા છે. આટલા વર્ષોમાં ભારતના નકશા પર નજર કરશો તો દરેક જગ્યાએ લોહી અને યુદ્ધના શસ્ત્રો જ નજરે પડશે. આટલી આપદાઓ આવી છતાં આપણે કોઈ બોધ લીધો હોય તેમ લાગતું નથી. આપણાંમાં કોઈ ફેર નથી આપણે જેવા હતા તેવા ને તેવા જ છીએ. લાગે છે કે આપણે દુશ્મનોથી નથી હાર્યા આપણે કહેવાતા અહિંસાના પુજારીઓ અને તેમની ખોખલી માનસિકતાને લીધે હાર્યા છીએ અને દેશને ગુલામીમાં ધકેલ્યો છે.
ભારતના ઇતિહાસની પ્રથમ ભૂલ કે જેને આજના શૈક્ષણીક અભ્યાસક્રમમાં પણ ભણાવવામાં આવે છે કે સમ્રાટ અશોક મહાન રાજા હતો અને યુદ્ધમાં આટલી મોટી સંખ્યામાં હિંસા જોઈ તેનું હૃદય પરિવર્તન થયું અને તેણે શસ્ત્ર હેઠા મૂકી દીધા અને અહિંસા પરમો ધર્મનો સ્વીકાર કર્યો. જો આ ભૂલ અશોકે ના કરી હોત તો આ દેશનું ક્ષેત્રફળ 32 લાખ કિલોમીટરની જગ્યા એ એક કરોડ વર્ગ કિલોમીટર હોત. જે દેશનો રાજા અહિંસક થઇ જાય છે તે દેશની પ્રજા નપુંસક બની જાય છે. ના લોહી જોઈ તેનું હૃદય પીગળ્યું હોત ના આરબથી સેના અહીં આવત અને આપણા ઉપર આટલા આક્રમણ થયા હોત .આજે આતંકવાદ જ્યાંથી ફેલાવવામાં આવે છે તે ભૂમિ એક સમયે ભારતની જ ભૂમિ હતી. ધર્મના નામે આટલો ત્રાસવાદ કોને ફેલાવ્યો? આનાં માટે જવાબદાર કોણ? વિશ્વગુરુ કહેવાતા આપણે જ આના માટે જવાબદાર છીએ. વિશ્વગુરુને છાજે તેવું વર્તન ના કરી શક્યાં, જરુર પડે પરશુરામની જેમ શસ્ત્રોના ઉપાડી શકયા અને સંન્યાસ ધારણ કરીને અહિંસાના ગુણગાન ગાવા માંડયા અને ભારત ગુલામ બન્યું. આ દેશની પ્રજાએ ભૂલોનું પરિવર્તન જ કર્યા કર્યું છે અને ભૂલો માંથી પણ કાંઈ જ શીખ્યા નથી.
ગાંધીજી રાષ્ટ્રપિતા છે. ભારતનું નામ સમગ્ર વિશ્વમાં બાપુ એ ગર્વથી ઊંચું કર્યું છે એ વાત માં કોઈ શંકા નથી, બાપુના આદર્શથી આ વિશ્વમાં કોણ અજાણ છે. આજના નેતાઓની જેમ બાપુએ ઇચ્છયું હોત તો એશોઆરામની જીંદગી જીવી શક્યા હોત પણ બાપુએ તો એક પોતડી માં આખું જીવન વિતાવ્યું અને અંગ્રેજોને આ દેશમાંથી ભગાડયા. બાપુના વિરોધીઓ ગદ્દાર સમાન જ ગણાય. પણ આ દેશના ભાગલા પડયા તે વાત યાદ આવતાં જ મન ખિન્ન થઇ જાય છે. ભારતમાતા ની છાતી પાર જાણે આરી કે કરવત ફેરવવામાં આવી અને આ દેશના બે ટુકડા થયા. બાપુ તમે હોવા છતાં? તમે જો ધાર્યું હોત તો આ ભાગલા રોકી શક્યા હોત અને ભાગલા રોકીનાં શક્યા તો કઈ નહિ પણ ભાગલા તો સરખા કર્યા હોત, ભારતને હિન્દુસ્તાન જ બનવા દીધું હોત ! તો આ દેશનું ચિત્ર કઈંક અલગ હોત. આ કૃત્ય વખતે સમગ્ર સૃષ્ટિને શરમ આવી હશે. ભાગલા વખતે હજારો લાખો લોકોની હત્યા કરવામાં આવી, સ્ત્રીઓ ઉપર બળાત્કાર અને જે અત્યાચાર થયાં તે અહીં લખી શકાય તેમ નથી. નિર્દોષોના મોત થયાં તેના માટે જવાબદાર કોણ? બંને ગાલ પર થપ્પડ પડે ત્યારે જો એક થપ્પડ તો સામે મારવી એવું શીખવાડયું હોત તો ભારતનો ઇતિહાસ કઈંક જુદો હોત. પણ અહીં તો થપ્પડોના મારથી ગાલ સુજી ગયા પણ અહિંસા પરમો ધર્મઃ નું સૂત્ર ના છૂટ્યું તે ના જ છૂટ્યું. એક નાનકડા દેશ ઇઝરાઈલ પાસેથી આટલું તો શીખ્યા હોત કે દુશ્મન દેશોની વચ્ચે ઘેરાયેલા છતાં દાદાગીરી થી કેમનું જીવવું.
70 વર્ષથી ભારતમાતાના માથામાં એકધારો દુખાવો થતો હતો તે કલમ 370 દૂર થઇ છે કાશ્મીર આજે ભારતનું અંગ બન્યું છે અને હવે મારો દેશ સાચા અર્થમાં સંપૂર્ણ આઝાદ થયો છે. એક દેશ એક તિરંગો એક પ્રધાન આ ઉક્તિ સાચી ઠરી છે. સાડાચાર લાખ કાશ્મીરી પંડિતોને મારીને કાશ્મીરમાંથી ભગાડી મુકવામાં આવ્યાં. ભારત માતાના પુત્રો આજે પણ શરણાર્થીની જેમ રાહત શિબિરમાં જીવનવિતાવી રહ્યા છે. વર્તમાન સરકારને અરજ કે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને ન્યાય મળે અને એમનું ઘર પાછું મળે. કાશ્મીરમાં દરરોજ ખુલ્લેઆમ તિરંગાનું અપમાન થતું. આ દેશને સરદાર પટેલની ફરી એક વાર જરૂર હતી, 70 વર્ષથી આ દેશની પ્રજા સિંહાસન પાસે હિમ્મત અને ખુદ્દારીની અપેક્ષા રાખતી હતી. વર્તમાન સરકાર દ્વારા સંવિધાનમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે જોઈએ કોના બાપની તાકાત છે કે કાશ્મીરમાં તિરંગાનું અપમાન કરી શકે કે પાકિસ્તાન જિંદાબાદ બોલી શકે.
જય હિન્દ વંદે માતરમ
દિપક પંડયા

No comments:
Post a Comment