Pages

Tuesday, December 1, 2020

સમજાવ ને

તું માટીનું ઢેફું, અને ઢેફું હું પણ,

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને 


તું નશ્વર છે ને છું નશ્વર હું પણ,

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને 


તું મુસાફર અને મુસાફર હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને 


તું નથી કાયમી અહીં ના હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને 


તું નથી સિકંદર ના કલંદર હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને


તું પંચભૂતનો બનેલો અને હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને

 

તું પીસાય સમય ચક્રમાં ને હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને




Monday, November 30, 2020

સહુ થી દૂર

મોઢા પર પટ્ટી બાંધો, રહો બે ગજ સહુ થી દૂર 

રોગ બહુ ભૂંડો છે ભાઈ, શરીરને કરી દેશે ચૂર    


ઈલાજ શોધાયો નથી હજુ, દવાખાનામાં ભીડ

કોરોનો જો લાગી ગયો તો છૂટી શકે તવ નીડ 


મંદિર મસ્જિદ ખુલ્યા હવે ભીડ થઇ બળવાન 

બચવાનો એક જ ઉપાય ઘટઘટ માં ભગવાન 


થોડા સમયની વાત છે આવશે રસી તુમ હાથ 

ત્યાં સુધી ભલામાણસ રહેજો નિયમ ની સાથ


પ્રણામ અને સલામ કરી આપો ડોક્ટર્સને માન

રાત દિવસ લડી રહ્યાં જોખમમાં મૂકી ને જાન 




Friday, November 27, 2020

મજા નથી આવતી

ક્યાં સુધી ઘરમાં રહું કેદ, મજા નથી આવતી 

બેઠા બેઠા ખાવામાં હવે મજા નથી આવતી


આ હાડકાંય થવાં લાગ્યા છે હરામ હવે તો

આવું જીવન જીવવાની હવે મજા નથી આવતી

 

ક્યાં સુધી ચાલશે હવે આ મહામારીનો ખૌફ

સુખનો સુરજ ઉગાડો હવે મજા નથી આવતી


મહેફિલો સુની છે, જાણે લાગ્યા છે ત્યાં તાળા

બધું બેરંગ ભાસે મને હવે મજા નથી આવતી


સુર લય તાલ ને સરગમ બેસૂરા થયાં "દિપક" 

ગીત પ્રેમના છેડવામાં હવે મજા નથી આવતી




તમે માનશો?

જીંદગી સાવ રઝળપાટ તમે માનશો?

મંઝીલ પણ છે ઉદાસ તમે માનશો?


રુદન હૃદયમાં છે ભારોભાર ભરેલું 

મૂડી એ જ છે મારી પાસ તમે માનશો?


ચમનનાં ફૂલો હવે રડીને જ ખુશ રહ્યાં

મિલનની ઝંખના શ્વાસમાં ભળી તમે માનશો?


બોરના સ્વાદ વિશે શબરીને જ પૂછજો

રામને તો એ મીઠાં જ લાગશે તમે માનશો?


ઝળહળી ઉઠી જીંદગી દિપક એ ક્ષણે

અમાસની હતી એ રાત તમે માનશો?





Monday, November 2, 2020

બદનામ થઇ જવાય

 બદનામ થઇ જવાય

આફતોનું ટોળું રોજ આવીને વીંટળાઈ જાય
એટલે કાઈ થોડું આમ લાચાર થઇ જવાય ?

તડકોય હવે કાઇ ચોક્ખો ચણાક નથી રહ્યો
અમારાથી પણ ક્યારેક ગુનેગાર થઇ જવાય

વિતાવી જીંદગી અમે તો મોજમાં ને મસ્તીમાં
સફાઈ હવે આપું તો ઈમાનદાર થઇ જવાય

ઘરની વાત ઘર મેળે જ પતી જાય તો સારું છે
બધાને કહેતાં ફરીએ તો બદનામ થઇ જવાય

જીંદગીમાં થોડીક ભેળસેળ પણ કરી લેજો યારો
ચોખ્ખું બધું વાપરીએ તો પાયમાલ થઇ જવાય

દીપક એ ના વિચાર શું આપ્યું ને શું મળ્યું તને
શાયર જ તું રહેજે નહીંતર મુનીમ થઇ જવાય

અશ્રુઓનો દરિયો પાર કરી જઈશ કોને હતી ખબર
પ્રણયમાં કાણી હોડી માય સવાર થઇ જવાય

દીપક પંડયા


 

 

Saturday, September 5, 2020

શું કરીશ

ગુજરાત છાયા સાહિત્ય કોલમમાં 05-09-2020 નાં રોજ પ્રકાશિત


રમકડાં ખરીદવાની ઇચ્છાઓ મનમાં રાખીને શું કરીશ

ખિસ્સા ખાલી છે તારા મોલભાવ બજારમાં જઈ શું કરીશ


ખબર છે જીદ તારી મંજિલ મેળવવા તું કઈ પણ કરીશ

વિચાર્યું છે રસ્તાઓ કઠીન છે ભટકી ગયો તો શું કરીશ


તારે ડૂબવું જ છે તો જા દરિયા પાસે અહી કેમનો ડૂબીશ

પાર કરવાં માટે નાવ જોઇશે કિનારે ઉભો રહી શું કરીશ


આખોય ખેલ એનો જ છે અને ખેલાડી પણ એના જ છે

કુસ્તી લડીશ કદાચ જીતીશ અંગતને હરાવી ને શું કરીશ


આવ્યું એવું તોફાન અને ઉજડી ગયાં બધાય વૃક્ષ વનનાં

ફળની આશાઓ મુક ઉજ્જડ ડાળીને નમાડી ને શું કરીશ


પેટ ખાલી છે ઘણા દિવસોથી આ ચેહરો તારો બતાવે છે

ખાડો પેટનો તું "દીપક" હવાથી ફુલાવીને ક્યાં સુધી ફરીશ 


દીપક પંડયા




Monday, August 31, 2020

ઈશ્વરે સૃષ્ટીની રચના શા માટે કરી?

તોફાની તાંડવ દૈનિક માં તારીખ ૩૧-૦૮-૨૦૨૦ ના રોજ પ્રકાશિત

સહુના મનમાં સ્વાભાવિક પણે ઉઠતો અને સાર્વત્રિક પૂછાતો પ્રશ્ન, છતાં પૂછનાર અને જવાબ આપનાર બંનેના મનનું સમાધાન કદી નથી થતું. દરેક ધર્મશાસ્ત્રમાં ઈશ્વરે આ જગતની ઉત્પતિ કઈ રીતે કરી તેનું વર્ણન જોવા વાંચવા મળે છે. મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ, જીવજંતુ, પૃથ્વી, સૂર્ય આ આખા બ્રહ્માંડની રચના નું વર્ણન જોવા વાંચવા મળે છે. બ્રમ્હાએ કઈ રીતે આ જગત ઉત્પન્ન કર્યું. બાઈબલ પ્રમાણે પ્રભુ એ કઈ રીતે મનુષ્યને બનાવ્યો અને આજ રીતે દરેક ધર્મશાસ્ત્રમાં વિવિધ વિવિધ વર્ણન છે સૃષ્ટીનાં સર્જન માટે. પરંતુ સૃષ્ટીની ઉત્પત્તિનો ઉદ્દેશ્ય ક્યાંય પણ જોવા જાણવા મળતો નથી. અનેક વખત આ પ્રશ્ન અલગ અલગ વ્યક્તિઓ સામે રજુ કર્યો છે પરંતુ મનનું સમાધાન નથી થયું. કોઈ જ ધર્મશાસ્ત્રમાં મનને સંતોષ થાય તેવો ઉલ્લેખ નથી વાંચવા મળતાં કે ઈશ્વરે આ સૃષ્ટિની રચના શું કામ કરી? ઈશ્વરને શું જરૂર હતી સૃષ્ટિની રચના કરવાની. દરેક ધર્મ કહે છે કે ઈશ્વરનું પોતાનું સ્વરૂપ નથી એ પોતે નિરાકારી છે તો આકાશમાં આટલા બધાં ગ્રહ, સૂર્ય, ચંદ્ર, તારા. આ પૃથ્વી, એની ઉપર આટલા વિશાળ સમુદ્ર, નદી, પર્વત, લાખો પ્રકારની જીવ સૃષ્ટી, મનુષ્ય, રંગબેરંગી ફૂલ, વૃક્ષ, સુગન્ધ કેટલું બધું. શું જરૂર હતી આટલા બધાં આકાર આપવાની? શું ઈશ્વર એકલો ખુશ  નહોતો?

મૂળ વાત ઉપર આવીએ કે ઈશ્વરે સૃષ્ટીની રચના શા માટે કરી? આ પ્રશ્ન જ માનવીની મનોદશાનું વર્ણન કરે છે. કારણ મનુષ્ય હમેશા દરેક વસ્તુનું આંકલન પોતાની જરૂરિયાત પ્રમાણે કરે છે. કદાચ આ પ્રશ્નનો જવાબ મળી પણ જાય કે ઈશ્વરે સૃષ્ટીની રચના કયા કારણે કરી? તો તરત બીજો પ્રશ્ન કરશે કે તો ભગવાનને કોણે બનાવ્યા?

હકીકતમાં આ સૃષ્ટી કોઈએ નથી બનાવી. કરોડો વર્ષથી આ સૃષ્ટીનું અસ્તિત્વ છે. મતલબ કે રચયિતા કરોડો વર્ષ જુનો છે? આમ જુઓ તો સમય જેવું પણ કોઈ તત્વ આ સૃષ્ટી માટે છે જ નહિ. દરરોજ સવારમાં ઉગતો સૂર્ય જુઓ તો ખબર પડે કે કેવું નયનરમ્ય વાતાવરણ હોય કે જે મનને તાજગી થી ભરી દે. આ તો રોજ ની પ્રક્રિયા અને પાછુ રોજ નિતનવું અને અનોખું. રોજ સવાર ઉગતી નથી પણ જન્મે છે. એટલે કે આ સૃષ્ટીનો કોઈ રચયિતા નથી પણ આ સૃષ્ટી પોતે જ રચના કરે છે અને એનો રચનાર પણ પોતે જ છે. સામાન્ય મનુષ્યને સમજ પડે તે હેતુ થી જ ધર્મગ્રંથો માં એવું બતાવવામાં સમજાવવામાં આવ્યું છે કે બ્રમ્હા, અલ્લાહ કે ઈશ્વરે આ સૃષ્ટી ની રચના કરી, પણ આ બધાં તો સંકેત માત્ર છે મનુષ્ય ને મનુષ્યતા સુધી પહોચાડવા માટે નાં. એટલે તો એવું કહેવાય છે કે ઈશ્વર કણ કણ માં વસેલો છે. સૃષ્ટીને રચવાવાળો ભિન્ન નથી એ પોતે સૃષ્ટીમાં હાજર જ છે. ધ્યાન પૂર્વક જોવાથી આ સૃષ્ટિને જોઈ શકાય છે સર્જનહારને મળી શકાય છે . સરળ શબ્દોમાં જયારે તાજ મહેલ જોવા જઈએ છીએ ત્યારે આપણે તેની ખરી સુંદરતા માણીએ છીએ ખરા? કેમેરા દ્વારા ફોટોગ્રાફ્સ જ લીધા કરીએ છીએ અને ઘરે આવી ને તાજમહેલ જોતા હોઈએ છીએ. આ જ રીતે સૃષ્ટીને ધ્યાન પૂર્વક કયારેય જોઈ છે ખરી? ઉગતો સૂર્ય, વહેતી નદી, કળા કરતો મોર, કોયલનો મધુર અવાજ, સમુદ્રની ગહનતા અને પર્વતની વિશાળતા, અરે પતંગિયાની પાંખ નાં રંગ જોયા છે એને જોતા જ સર્જનહારનાં દર્શન થઇ જાય છે. આપણે કામ કંઇક કરતાં હોઈએ અને વિચારો બીજે દોડતા હોય આ સ્થિતિમાં સર્જનહારને પામી શકાતું નથી.

સૃષ્ટી રોજે રોજ નવીન રીતે બનતી જ રહે છે એટલે કે સર્જનની પ્રક્રિયા નિરંતર ચાલુ જ હોય છે. ઈશ્વરે એકવાર આ દુનિયા બનાવીને તેને છોડી દીધી છે એવું નથી.  પ્રતિક્ષણ સર્જન થઇ જ રહ્યું છે. લગાતાર બદલાવ થઇ રહ્યો છે એટલે કે લગાતાર સૃષ્ટીને બનાવવામાં આવી રહી છે. સર્જનહાર ક્યારેય નવરો જ નથી પડતો એ તો નવું નવું બનાવ બનાવ જ કરે છે. એ પોતે હર હમેશ અહી આપણી વચ્ચે હાજર છે એનાં થી અલગ કશું જ નથી. નથી ઈશ્વર ની બહાર કશું કે નથી અંદર ઈશ્વર સિવાય કશું. 

મનુષ્ય જરૂરિયાત અને લાલચ પ્રમાણે વર્તે છે દરેક કાર્ય કરે છે એટલે એણે માની લીધું છે કે નક્કી ઈશ્વરને પણ કંઇક જરૂર હશે એટલે જ એણે આ સૃષ્ટી બનાવી હશે. જરૂરિયાત એટલે કોઈક વસ્તુનો અભાવ. સૃષ્ટિના રચનાર ને કઈ વસ્તુનો અભાવ? જરા નજર તો કરો આ સૃષ્ટીમાં કઈ કેટલી બધી વિશેષતાઓ છે સવારનો સૂર્યોદય અને સાંજનાં સુર્યાસ્ત નાં રંગ રોજે નવા જ જોવા મળશે, પતંગિયાના રંગ, કોયલનો મધુર અવાજ, મોરના સુંદર પીછાં અને તેમાં પણ કળા કરે ત્યારે તો અદ્ભુત સિવાય કોઈ ઉદગાર નીકળે છે મોમાંથી? આકાશમાં વાદળનાં આકાર, આપણા હૃદયમાં ઉગતો શાશ્વત પ્રેમ આ બધું જ અદ્ભુત અને  અલૌકિક નથી? આ બધુજ અકારણ નથી? અરે નાનાં બાળકને જોજો એ અમથું અમથું હાસ્ય કરશે હાથ પગ હલાવ્યા કરશે, એને શું જરૂર છે આમ કરવાની? પણ મનુષ્યને લાગે છે કે કોઈપણ કાર્ય જરૂરિયાત હોય તો જ થાય. પ્રેમ જરૂરીયાત માટે થાય છે? નાં. હકીકતમાં જે સહુથી મહત્વનું છે તે બધું જરૂરિયાત વગર જ થયાં કરે છે આ સૃષ્ટી માં સહજ અને અકારણ.

નાનું ગલુડિયું રસ્તામાં થી મળી આવે અને લાગે કે એ એની માં થી વિખૂટું પડી ગયું છે તો મનમાં કરુણા જાગે છે અને તને ઘરે લઇ આવીએ છીએ એને દૂધ પીવરાવીએ છીએ અને મોટું કરીને તેને જ્યાં જવું હોય ત્યાં જવા દેવા છુટું મુકીએ કે પછી રસ્તામાં કોઈ ભૂખ્યું નજરે પડે તેને ભોજન કરાવીએ કાં ખાવા માટે પૈસા આપીએ એ વખતે મનમાં જે કરુણાનાં ભાવ પ્રગટે છે તે વખતે આપણી કોઈ જ જરૂરિયાત કે લાલચની હાજરી હોતીનથી, માત્ર હાજર હોય છે કરુણા. આ જે કરુણા છે તે જ છે સર્જનની પ્રક્રિયા જે અકારણ, અકળ અને આંતરિક રીતે ઘટે છે. આ સમજી જઈએ એટલે ઈશ્વરે સૃષ્ટીની રચના શા માટે કરી તે સમજ માં આવી જાય.

દીપક પંડયા