Pages

Saturday, July 11, 2020

રામ મેનેજમેન્ટ ગુરુ...


અત્યાર ના યુગ ની વાત કરીએ તો જીવનનું દરેક કાર્ય સુચારુ રીતે વ્યતીત થતું રહે એ ખુબજ જરૂરી છે અને એના માટે ના પ્રયત્ન આપણે બધા કરતાજ હોઈએ છીએ. દરેક ક્ષણે દરકે બાબત નું સંચાલન વ્યવસ્થિત રીતે થવું આવશ્યક છે. રામાયણ પ્રમાણે જોવા જઈએ તો આ રામ માં એક શ્રેષ્ઠ સંચાલકના બધા જ ગુણ જોવા મળે છે. કયા વ્યક્તિ માં શું ક્ષમતા છે અને તે કયું કાર્ય કુશળતા પૂર્વક કરી શકશે તે જોવાની દીર્ધ દ્રષ્ટી રામ પાસે છે.  રામાયણ માં હનુમાનજી  નો ખાસો મહિમા છે. પણ આજે એક એવા પાત્ર ની વાત કરવી છે જેની પાસે હનુમાનજી જેવી બુદ્ધિ, સાહસ અને પરાક્રમ છે. એ પાત્ર નું નામ છે અંગદ. બાલી પુત્ર અંગદ. 

सुनु सर्बग्य सकल उर बासी। बुधि बल तेज धर्म गुन रासी॥मंत्र कहउॅ निज मति अनुसारा। दूत पठाइअ बालि कुमारा॥

રામ રાવણ યુદ્ધ શરુ થવા પહેલા નો દિવસ: રામ વાનર સેના સાથે લંકા પહોચી ને સભા નું આયોજન કરે છે અને રાવણ ને એક વધુ વખત સમજાવવા ના પ્રયત્ન રૂપે પોતાનો એક દૂત રાવણ પાસે મોકલવાનો પ્રસ્તાવ મુકે છે અને દૂત તરીકે બધા ફરી એક વાર હનુમાનજી ને રાવણ ના દરબાર માં મોકલવા માટે એક મત થાય છે ત્યારે જામવંત જી હનુમાનજી ની જગ્યાએ અંગદ ને દૂત તરીકે મોકલવા નું કહે છે. આ સલાહ બધા ને ગમે છે અને આના થી રાવણ ને એ પણ ખબર પડશે કે રામ ની સેના માં હનુમાનજી તો ખરા પણ એમના સિવાય બીજા પણ એક એક થી પરાક્રમી અને સાહસી વીર છે. 

રામ આટલું મહત્વપૂર્ણ કાર્ય અંગદ ને સોપવા છતાં એટલુજ કહે છે કે   તું મારું કાર્ય પર પાડવા માટે લંકા જા. તું ખુબજ સમજદાર અને બુદ્ધિશાળી છે, હું તને શું સલાહ આપુ, શત્રુ સાથે ફક્ત એજ વાત કરજે કે જેના થી આપનું કામ થઇ જાય અને શત્રુ નું કલ્યાણ થાય.  बहुत बुझाइ तुम्हहि का कहऊँ। परम चतुर मैं जानत अहऊँ॥ काजु हमार तासु हित होई। रिपु सन करेहु बतकही सोई॥
 
યુદ્ધ ના આગલા દિવસે દશાનન રાવણ ના દરબાર માં અંગદ દૂત તરીકે જાય છે અને એક દૂત નું કર્તવ્ય શું હોઈ શકે અને પોતાના સ્વામી ની વાત કઈ રીતે પહોચાડવી એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે. લંકાના દરબાર માં પહોચતા જ અંગદ ને જોઈ ને રાવણ કહે છે અરે બંદર તું કોણ છે. અંગદ શ્રી રામ નો દૂત છે અને રાવણ ને રામની શરણમાં જવા અને સીતા માતા ને પાછા આપવા સમજાવે છે. રાવણ પોતાના અહંકાર માં અંગદ ને કહે છે તું જાણે છે હું કોણ છું? અહી અંગદ શત્રુ ને કઈ રીતે યુદ્ધ પહેલા માનસિક રીતે તોડી પાડવો તે ઉદાહરણ આપે છે. અંગદ રાવણ ને કહે છે કે હા હું એ રાવણ ને જાણું છું જેને મારા પિતા બાલી એ પોતાની બાહુ માં પકડી ને પૃથ્વી નું ચક્કર લગાવ્યું હતું.  હું એ પણ રાવણ ને જાણું છું જે સીતા માતા નું અપહરણ કરવા માટે ભાઈ લક્ષમણે જમીન પર દોરેલી રેખા ઓળંગી શક્યો નહોતો. હું એ રાવણ ને પણ ઓળખું છું જેણે એક વાનર ની પૂછડી માં આગ લગાવી એને દંડ આપવા પ્રયત્ન કર્યો હતો પણ એજ વાનર આખી સોનાની લંકા ને આગ લગાવી ને એ નગરી ને ખાખ કરી નાખી હતી. આ પ્રમાણે રાવણ નો ઉપહાસ કરી અંગદ તેના બુદ્ધિ ચાતુર્ય નો પરિચય આપે છે. આના થી રાવણ ખુબ ગુસ્સે થાય છે અને અંગદ ને એક દૂત તરીકે નું યોગ્ય સન્માન નથી આપતો. રાવણ ની સભા માં એક દૂત ને યોગ્ય સન્માન ના મળતા અંગદ રાવણ ને એક દૂત ને શોભે તેવું આસન આપવા માટે કહે છે પણ રાવણ અંગદ ને એક તુચ્છ વાનર સમજી તેનો ઉપહાસ કરે છે, તો અંગદ પોતાની જ પૂછડી વડે રાવણ ની સમકક્ષ આસન બનાવી તેની ઉપર બેસી જાય છે. અંગદ રાવણ ની સભામાં ખુલ્લે આમ પડકાર આપે છે કે રામ સાથે યુદ્ધ માં રાવણ ની બરબાદી જ છે એમાં રાવણ નો તેના પુત્રોનો અને કુળ નો નાશ થશે તેમ રાવણ ને સમજાવતા કહે છે.

અંગદ ના આવા વાચન સાંભળી રાવણ ખુબ ક્રોધિત થાય છે અને સૈનિકો ને આદેશ આપે છે કે આ મુર્ખ વાનર ને પકડી ને બંદી બનાવી લો. અંગદ કહે છે જો હું ચરિત્ર થી ઉજ્જવળ હોઉં તો મારો આ પગ તમારા માં થી કોઈ પણ એક ક્ષણ માટે પણ ખસેડી શકશે તો હું રામ વતી વચન આપું છું કે રામ સીતા માતા નો ત્યાગ કરી ને હમેશા માટે અયોધ્યા પાછા જતા રહેશે. પછી અંગદ પોતાનું શરીર વિશાળ અને બળવાન બનાવી પોતાનો પગ જમીન પર સ્થિર કરે છે, રાવણ ના દરબાર માં એક પણ એવો વીર નહોતો જે અંગદનો પગ એક ક્ષણ માટે પણ ઉંચો કરી શકે. આખરે રાવણ પોતે અંગદ નો પગ ખસેડવા આવે છે પણ અંગદ કહે હે તમે રાજા છો અને રાજા પાસે આ કાર્ય કરાવવું યોગ્ય નથી. અને છેલ્લે રાવણ ને સલાહ આપે છે કે મારા પગ પકડવા કરતા પ્રભુ શ્રી રામ ના પગ પકડીશ તો તારું કલ્યાણ થશે.

દૂત તરીકે અંગદ ની પસંદગી કર્યા પછી રામે અંગદ ને રાવણ ની લંકા માં જવા માટે જ કહ્યું હતું. રામે અંગદ ને કોઈ જ સલાહ સૂચનો આપ્યા નથી કે ત્યાં જઈ ને તેણે શું કરવાનું છે. આ છે રામ નો પોતાના માણસ ઉપર નો વિશ્વાસ. આ છે સંચાલન ની કળા. આપણા રોજીંદા જીવન માં આપણે નજર કરીએ તો જે કાર્ય આપણે બીજા દ્વારા કરાવવાનું હોય તેના પર સંપૂર્ણ ભરોસો નથી રાખી શકતા, ઉદાહરણ તરીકે જો આપણા કાર્યાલય માં આપને કોઈ કામ આપણી હાથ નીચે ના વ્યક્તિ ને સોપીએ તો કેટલા દિશા નિર્દેશો આપતા હોઈએ છીએ કે આ કામ આ રીતે કરજે. એને જાતે તે કાર્ય કરવા દઈએ છીએ? વિચાર કરજો.  ઘર ના વ્યક્તિ ને બજાર માં કોઈ વસ્તુ ખરીદવા માટે મોકલીએ તો તેને કેટલું સમજાવી ને મોકલતા હોઈએ છીએ કે આ રીતે આ રસ્તે જજે, અહી થી ખરીદજે, વગેરે વગરે.... સામે વાળી વ્યક્તિ ને જાતે પોતાના નિર્ણય લેવા દેવા તેના માં રહેલી કાર્ય ક્ષમતા બહાર લાવવી અને કોઈ પણ કાર્ય તેને તેની જાતે કરવા દેવું તે રામ પાસે શીખવા જેવું છે.

સીતારામ

No comments:

Post a Comment