તુલસી દાસ અને રહીમ નો સંવાદ -
રામ ઘાટ પર રહીમ બેઠા છે અને એ ઘાટ પર ની ધૂળ પોતાના મસ્તક પર નાખી રહ્યા હોય છે આ જોઈ તુલસીદાસે કહ્યુ - ધૂર ધરત નિજ શિશ પર કહ રહીમ કિહ કાજ.
રહીમે ઉત્તર આપ્યો કે જે ચરણ રજ વડે ગૌતમ મુની ની પત્ની નો ઉદ્ધાર થયો એ રામ ની ચરણ રજ હું આ ધૂળ માં શોધું છું. - જીહ રજ મુની પત્ની તરી સો ખોજત મહારાજ
રામ ખાલી હિંદુ ઓ ના નથી, રામ તો આ સમગ્ર સૃષ્ટી ના છે. એ આ ઉપર ના સંવાદ ઉપર થી સાબિત થાય છે.
આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. આજે રામ વિષે વાત કરવી છે. એ રામ જે ઉત્તમ શિષ્ય અને શ્રેષ્ઠ ગુરુ છે. રામ જેવા રાજા આજ સુધી થયા નથી માટે જ કહીએ છીએ કે રાજ્ય હોય તો રાજા રામ જેવું. મિત્ર તરીકે, ભાઈ તરીકે, પુત્ર તરીકે, પિતા તરીકે પતિ તરીકે રામ ની તુલના કોઈ સાથે થઇ ના શકે.
રામ અયોધ્યા માં હતા ત્યાં સુધી રામ હતા, વન માં ગયા પછી મર્યાદા પુરુષોતમ રામ બની ને પાછા આવ્યા છે. રામ વિષે હજુ પણ આપણા માંથી ઘણા ને શંકા છે. આપને રામ ને સમજી જ નથી શક્યા. રામ હજુ પણ આપણા માટે પારકા જ છે. ભગવાન અલગ અલગ સ્વરૂપે માનવ દેહ ધારણ કરી ને મનુષ્ય ને સમજાવવા માટે આ પૃથ્વી પર જન્મ લે છે. ક્યારેક રામ, ક્યારેક કૃષ્ણ, ક્યારેક બુદ્ધ કે ક્યારેક મહાવીર. પણ આપણે ભગવાન ને મંદિર માં બંધ કરો દીધા છે, તેના બતાવેલા માર્ગ પર આપણે ચાલી નથી શકતા. એ માર્ગ આપણ ને અઘરો લાગે છે. આપણે ધર્મ માં માનીએ છીએ પણ ધર્મ નું નથી માનતા. આમ તો રામાયણ પ્રમાણે જોવા જઈએ તો રામનું જીવન દુખ અને અકસ્માતો ની ભારમારો થી ભરેલું છે. રામ કિશોર અવસ્થા માં હતા એટલે કે જયારે તેઓ ફક્ત ૧૫ વર્ષ ની ઉમર ના હતા ત્યારે વિશ્વામિત્ર રાજા દશરથ પાસે આવી રામ ને રાક્ષસો ના નાશ માટે વન માં લઇ ગયા. લગ્ન થયા પછી રાજ્યાભિષેક ના અગલા દિવસે વનવાસ મળ્યો, વન માં ભટક્યા, પત્ની નું અપહરણ થયું.
વિશ્વામિત્ર એ રાજા દશરથ ને કહ્યું કે ધર્મ માં લાભ ઈચ્છો છો, યશ વધતો રહે એમ ઈચ્છો છો તો મને રામ આપી દો. મહારાજ દશરથે ઘણા પ્રયત્નો કર્યા રામ ને વિશ્વામિત્ર સાથે ના મોકલવા પડે. રામ હજુ ખુબ નાના છે અને રાક્ષસો સામે કઈ રીતે લડી શકશે. હજુ શસ્ત્ર વિદ્યા નું જ્ઞાન નથી. અને મારા ચાર પુત્રો માં એ મોટા છે અને મારા પ્રિય છે માટે તમે મારી સેના રાક્ષસો ના નાશ માટે લઇ જાઓ પણ વિશ્વામિત્ર મેં કયું કે રામ ની પસંદગી કરવાનું એક જ કારણ છે. જીવન માં મનુષ્ય પાસે ચાર વસ્તુ આવે છે કે જે માં થી એક વસ્તુ પણ જો કોઈ પાસે આવી જાય તો મનુષ્ય અહંકારી થઇ જાય છે. યુવાની, ધન, સંપતિ અને પ્રભુત્વ. રામ પાસે આ ચારેય હોવા છતાં તે વિનમ્ર છે. માટે હું એમને લેવા આવ્યો છું એવું વિશ્વામિત્ર કહે છે. રામ ક્ષત્રિય છે પણ તેમનું મસ્તક તપસ્વી જેવું છે. ૧૦ દિવસ વિશ્વામીત્ર એ બંન્ને ભાઈ ને પોતાની સાથે રાખ્યા અને બધા જ શસ્ત્રો અને સાધના નું જ્ઞાન આપ્યું. લક્ષ્મણ ને અતિબલા વિદ્યા આપી જેના દ્વારા ખુલી આંખે ઊંઘ લઇ શકાય. રામ પોતે ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા હતા, એ ધારત તો મહેલ માં રહી ને શિક્ષા પ્રાપ્ત કરી શક્યા હોત. પણ શિક્ષા ગ્રહણ કરવા માટે તો ગુરુ ઘરે જ જવું પડે એ રામ જાણતા હતા.
રામ સદાય શાંત, વિનમ્ર અને મુખ પર કાયમ સ્મિત રાખવા વાળા છે. રામાયણ માં રામ એક પણ પ્રસંગ માં ક્રોધિત થયેલા નથી જોવા મળ્યા. ગમે તેવી વિકટ પરિસ્થતિ માં કોઈ ની ઉપર નફરત નથી કરી. વનવાસ આપવામાં આવ્યો ત્યારે પણ એક જ ક્ષણ માં અનુમતિ આપી અને મુખ પર એ જ સ્મિત સાથે સહર્ષ એનો સ્વીકાર કર્યો અને વન માં જતા રહ્યા. એક યુવાન રાજ કુમાર કે જેનો રાજ્યાભિષેક થવાનો હતો તેની યુવાન પત્ની કે જે રાજકુમારી છે અને દુ:ખ શું છે તે તેને ખબર નથી તેને પણ રાજકીય કારણો સર વન માં જવું પડયુ. હકીકત માં વનવાસ એટલે આપણે ટીવી માં જોઈએ છીએ એવું સુંદર સુરમ્ય જંગલ નહિ પણ જ્યાં પળે પળે દુઃખ, ભૂખ, જંગલી જનાવરો અને રાક્ષસો નો ભય છે એવું ભયાનક જંગલ. રામ ના જીવન માં આટલું ઓછું હતું ત્યાં તેમની પત્ની નું અપહરણ થયું. એ આખી પૃથ્વી ના રાજા હતાં. ધારત તો બીજા લગ્ન કરી શકત. પણ રામે પતિ એટલે કેવો પુરુષ તેનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે. સીતા ને કેટલો પ્રેમ કરે છે એ દર્શાવે છે કે રામ ઉત્તર થી દક્ષીણ સુધી ૩૦૦૦ કિલોમીટર નો પગ પાળા પ્રવાસ કરી અજાણ્યા રસ્તાઓ પાર કરી એમના ભાઈ લક્ષ્મણની સાથે સુગ્રીવ સાથે મિત્રતા કરી વાનરોની સેના બનાવી અને રાવણ જેવા શક્તિશાળી રાજા સાથે લડયા અને વિજય મેળવ્યો. વિજય પછી પણ એ એક આશ્ચર્ય છે કે રામ એક વર્ષ ના પશ્ચાતાપ માટે હિમાલય માં ગયા. ૧૪ વર્ષ ના વનવાસ પછી બીજું એક વર્ષ. આ રામ જ કરી શકે. લક્ષ્મણે કહ્યું કે ભાઈ, રાવણે તમારી પત્ની નું અપહરણ કર્યું હતું અને એને મારવો યોગ્ય જ હતો તો રામે જવાબ આપ્યો કે રાવણ દશાનન હતો. એના નવ માથા માં અહંકાર, કપટ, લાલચ, વાસના વગેરે દુર્ગુણ હતા પણ, એનું દશમું મસ્તક જે હતું તે ભક્ત નું હતું, એ મહાન શિવભક્ત, પ્રકાંડ પંડિત, વેદો નો જાણકાર અને એક ઉત્તમ રાજા હતો અને તેની હત્યા કરવાથી મને ખુબ દુઃખ થયું છે અને હું તે પાપ ના પ્રાયશ્ચિત માટે હિમાલય માં એક વર્ષ તપસ્ચર્યા કરવા જવા ઈચ્છું છું. દુશ્મન માટે પણ આટલો જ અહોભાવ રાખતા હતા રામ .
આખી રામાયણ માં રામ હનુમાન ને સખા, તાત, મિત્ર અને ભાઈ તરીકે સંબોધે છે એક પણ વાર સેવક શબ્દ તેમના મુખ માંથી નથી બોલ્યા અને હનુમાન એક પણ વાર સ્વામી સિવાય કઈ બોલ્યા હોય એવી એક પણ ચોપાઈ નથી. આ છે ગુરુ અને શિષ્ય નો સંબંધ, આ છે ભક્ત અને ભગવાન નો પ્રેમ.
આપણા માં થી ઘણા ને એક વાત નું દુઃખ અને શંકા છે કે રામે રાવણ સાથે યુદ્ધ જીત્યા પછી સીતા ની અગ્નિ પરીક્ષા કરી અને ત્યાર બાદ લોક નિંદા ના કારણે ગર્ભવતી સીતા ને વનવાસ આપ્યો. સમજવા જેવું છે કે વનવાસ દરમ્યાન જયારે સીતા ને પગ માં કાંટા વાગતા હતા ત્યારે રામ દુઃખી થઈ અને રડી પડયા હતા. પત્ની નાં દુઃખે દુઃખી થનાર રામ સીતા ને વનવાસ આપે? આટલો પ્રેમ કરના રામ સીતા ને લોક નિંદા કારણે ઘરે થી કાઢી મુકે? કઈકઈ એ જયારે રામ ને વનવાસ અપાવ્યો અને રાજ દરબાર માં તપસ્વી ના વસ્ત્ર પહેરવા માટે આપ્યા ત્યારે સીતા ને તે વસ્ત્ર પહેરતા નહોતા આવડતા તો રામ સીતા નું આ અપમાન સહન ના કરી શક્યા અને પોતાના હાથે સીતા ને વસ્ત્ર પહેરાવે છે. પત્ની નું અપમાન ના થાય માટે જાહેર માં આ કાર્ય કરનાર રામ સીતા ને વનવાસ આપી શકે? રામે સીતા ને વન માં પોતાની સાથે ના આવવા માટે પણ ઘણા સમજાવ્યા હતાં પણ પત્ની હઠ અને પ્રેમ આગળ રામે નમતું મુકવું પડયું અને સાથે વન માં લઇ જવા પડ્યા. યુદ્ધ જીત્યા પછી રામે વિભીષણ ને કયું કે સીતા ને આદર સાથે લઇ આવો. સીતા રાજા રામ ની પત્ની હોવાથી વિભીષણ સીતા માતા ને નાહી અને સ્વચ્છ સુંદર વસ્ત્ર માં રામ પાસે જવાનું કહે છે સીતા માતા એકપણ ક્ષણ નો વિલંબ કર્યા વગર સીધા જ રામ પાસે જવાનું કહે છે પણ વિભીષણ માનતા નથી અને સીતા સુંદર વસ્ત્ર માં નાહીને રામ સામે આવે છે. સીતા નું તેજસ્વી રૂપ અને મુખ જોઈ રામનું મુખ મ્લાન થઇ જાય છે અને મન માં વિચાર આવે છે કે જો સીતા આ રૂપ માં પ્રજા સામે આવશે તો પ્રશ્ન થશે કે રાવણ ના રાજ માં સીતા ને દુઃખ હતું જ નહિ. રામ ના મન ની વાત સીતા તરત સમજી જાય છે અને અગ્નિ દેવ ને પ્રાથના કરે છે કે હે અગ્નિદેવ મેં રામ ને એક ક્ષણ માટે વીસાર્યા હોય અને રામ ને અનન્ય પ્રેમ કર્યો હોય તો હે અગ્નિ દેવ મારી રક્ષા કરો અને આપણે બધા સમજીએ છીએ કે રામે સીતા ની અગ્નિ પરીક્ષા કરી.
જે ધનુષ ને રામ સિવાય કોઈ હલાવી પણ શક્યું નહોતું અને રામે જે ધનુષ્ય સ્વયંવર માં ઉચક્યું હતું અને તૂટી ગયું હતું તે ધનુષ વડે સીતા નાનપણ માં રમતા હતા. તો શું એ રાવણ ની કેદ માંથી છુટી નહોતા શકતા? રાવણ ના રાજ્ય માં સીતા નો એ નૈતિક સત્યાગ્રહ હતો, સીતા બંધનમાં હતા પણ બાધ્ય નહોતા. જયારે પણ રાવણ અશોકવાટિકા માં સીતા ને સમજાવવા, ડરાવવા કે ધમકાવવા આવતો ત્યારે સીતા ભૂમિ પર થી એક તણખલું ઉપાડી ને પોતાની આગળ મુકતા અને કહેતા સાહસ હોય તો આને ઓળંગી બતાવે. આજ ની પેઢી ને માન્યા માં ના આવે અને તર્ક કરે કે ત્રિલોકી રાવણ એક તણખલા થી ડરી જાય અને એને ઓળંગી ના શકે? તણખલું એ પ્રતિક છે. સીતા ભૂમિ માં થી ઉત્પન્ન થયા હતા એટલે ભુમીજા કહેવાય છે અને તણખલું એટલે ભૂમિજ, ભૂમિજ એટલે એમનો ભાઈ. તણખલું એ આત્મવિશ્વાસ છે કે મારો ભાઈ મારી રક્ષા કરશે. આજે પણ સ્ત્રી પતિ કરતા ભાઈ સાથે પોતાને વધારે સુરક્ષિત મહેસુસ કરે છે. વાલ્મીકી એ રામનું જીવન વૃતાંત લખ્યું છે. યુદ્ધ કાંડ પછી રામે સુખ પૂર્વક રાજ કર્યું આ છેલ્લી ચોપાઈ છે અને ત્યાજ રામાયણ પૂર્ણ કરી છે. ઉત્તરકાંડ પછી થી ઉમેરવામાં આવ્યો છે એ વાલ્મીકી ની કૃતિ નથી.
"ભારત ના સંવિધાન માં સંવિધાન લખનાર બધા જ મહાનુભાવ ના હસ્તાક્ષર છે અને નીચે રામ દરબાર નું ચિત્ર મુકવા માં આવ્યું છે."
No comments:
Post a Comment