Pages

Saturday, July 18, 2020

સંપૂર્ણતાનું પ્રતિક એટલે -'કૃષ્ણ'



મનુષ્ય આજે ૫૦૦૦ વર્ષ પછી પણ કૃષ્ણને સમજી શકે તે અવસ્થા પર નથી પહોચી શક્યો. 
કૃષ્ણ આજે પણ મનુષ્ય ની સમજની બહાર છે. એક એવું વ્યક્તિત્વ જે ધર્મની પરમ ઉચ્ચતાના શિખર પર પહોચવા છતાં ગંભીર નથી, ઉદાસ નથી. એ તો મોરલી વગાડતા, સદાય હસતાં, ગીત ગાતા અને નાચતા અને રાસ લીલા કરતા વ્યક્તિ. 
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જેટલા અવતાર થયાં છે તે બધા આંશિક અવતાર છે, એકલા કૃષ્ણ પૂર્ણ અવતાર છે. 
રામ પણ પરમાત્મા નો અંશ જ ગણાય છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ એટલે કે પોતે પરમાત્મા છે. 
શ્રી હરી વિષ્ણુની આઠ કળા રામ ભગવાનમાં અવતરી હતી,  જયારે કૃષ્ણે તો સોળે કળા સાથે આ મનુષ્ય લોકમાં માનવ કલ્યાણ માટે દેહ ધારણ કરેલો હતો. 
કૃષ્ણની સામે બીજા અવતાર જીવન વિરોધી જ ભાસે છે. 
બીજા અવતાર આ જીવન સિવાયના પરલોક ના જીવનની વાતો કરે છે. મોક્ષ ની વાતો કરે છે, કૃષ્ણ સિવાય દરેક જીવનના બે ભાગ કરી ને સ્વીકાર અને અસ્વીકારનું જીવન જીવવાનું કહે છે. 
માત્ર   કૃષ્ણ જ સમગ્ર જીવનને પૂરે પૂરું સ્વીકાર કરી જીવવાની વાત કરે છે. 
કૃષ્ણ એ દમનના વિરોધી છે. જીવન ના દરેક રંગનો સ્વીકાર કરવાની વાત કરે છે. એ પ્રેમ કરે છે, વિશુદ્ધ પ્રેમ. જરૂર પડે એ યુદ્ધ પણ કરે છે. પ્રેમ અને કરુણા થી ભરેલા કૃષ્ણમાં યુદ્ધ કરવાનું પણ સામર્થ્ય છે. સદા એમનું ચિત પરમાત્મામાં લીન એટલે કે અહિંસક ચિત વાળા છતાં યુદ્ધના દાવાનળમાં ઉતરી શકે છે. 
તેઓ અર્જુનને ગીતાના ઉપદેશ તરીકે સમજાવે છે,  કે જીવનમાં અમૃત જરૂરી છે પણ જો વિષ મળે તો તેનો પણ ભય નહીં રાખવાનું સમજાવે છે. એવું અમૃત શું કામનું કે જે વિષ થી ડરી જાય. 
અહિંસા એટલે શું એ જેને સમજમાં આવી ગયું એને હિંસાનો વળી ભય શાનો? 
અને એથી વિપરીત એવી અહિંસા શું કામની જે હિંસાથી ભયભીત અને ગભરાયેલી હોય.
ઠીક એજ પ્રમાણે એવી આત્માનું શું પ્રયોજન જેને શરીરથી ભય હોય. એવા પરમાત્માનો શું અર્થ જે સમગ્ર સંસારને પોતાનામાં લીન ના કરી શકે? 
કૃષ્ણ જીવનના બંને પાસા નો એક સાથે સ્વીકાર કરે છે. શું આપણે કૃષ્ણ જેવા છે તેવાં અથવા તો તેમના દરેકે દરેક સ્વરૂપ નો એક સાથે સ્વીકાર કરી શક્યા છીએ?
 આપણે કૃષ્ણને પૂજીએ છીએ પણ ટુકડે ટુકડે.
 મીરાંના કૃષ્ણ યુવાન છે. મીરાબાઈ ત્રણ કે ચાર વર્ષના હતા ત્યારથી શ્રીકૃષ્ણની મૂર્તિ માં સમાઈ ગયા. ત્યાં સુધી મીરાં ના કૃષ્ણ તો સદાય યુવાન જ રહ્યા. 
સુરદાસ ના કૃષ્ણ સદાય બાળ ગોપાળ જ રહ્યા. કારણ બાળ ગોપાળ કૃષ્ણ જો ગોપીઓ ને છેડે કે એમનાં વસ્ત્ર છુપાવે તો બહુ વાંધો નથી પણ... યુવાન કૃષ્ણ જો ગોપીઓ ને છેડે તો પછી આપણી મુશ્કેલીઓ શરુ! આપણે આપણી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે દરેક વાત સમજીએ છીએ. એ સિવાય કોઈ ઉપાય પણ કદાચિત આપણી પાસે નથી, તો થશે એમ કે કોઈ કૃષ્ણ નું બાળ સ્વરૂપ પસંદ કરશે તો કોઈ યુવાન. કોઈ રાધા સાથે  તો કોઈ વાંસળી  વગાડતા એકલ મસ્ત કૃષ્ણ ને. 
કેટલા બધા સ્વરૂપ છે કૃષ્ણના – અર્જુન ને ગીતા નો ઉપદેશ આપવાવાળા કૃષ્ણ, રાસ રમતાં  કૃષ્ણ, યુદ્ધ ના મેદાન માં સારથી બનેલા કૃષ્ણ, સુદામાના પગ ધોતા મિત્રવત કૃષ્ણ. રાધા ને પ્રેમ કરનાર કૃષ્ણ, રુકમણી સાથે બિરાજતા કૃષ્ણ, દ્રોપદીના સખા કૃષ્ણ. 
લીધેલા સંકલ્પ ક્યારે પાળે અને ક્યારે સંકલ્પ તોડે એ તો કૃષ્ણ જ જાણે. યુદ્ધ માં શસ્ત્ર નહિ ઉપાડું એમ વચન આપનાર કૃષ્ણ ભીષ્મ પિતામહ સામે શસ્ત્ર પણ ઉગામે અને વચન ભંગ પણ  કરે. જરાસંઘ સાથે યુદ્ધ કરતા કરતા રણ છોડીને ૧૭ વખત ભાગે અને આપણે એમને રણછોડ કહીને બોલાવીએ અને એમાં પણ આપણા હ્રદય માં માત્ર પ્રેમ જ ઉમટે.
આટલો બધો વિરોધાભાસ એક જ વ્યક્તિ માં? આટઆટલી પરસ્પર વિરોધી બાબતોને પોતાનામાં સમાવીને આનંદિત મુદ્રા માં વાસળી વગાડતા કૃષ્ણ માનવતા માટે એક રહસ્ય સમાન જ રહ્યા છે.
 રાગ, પ્રેમ, ભોગ, કામ, ધ્યાન, યોગ, આત્મા-પરમાત્મા આ બધાનો સમન્વય એટલે કૃષ્ણ. કૃષ્ણ સિવાય કદાચ આ જગત માં આટલા વ્યક્તિત્વ સાથે જીવન જીવનાર બીજું કોઈ નહિ મળે. 
એટલે જ કૃષ્ણ ના અલગ અલગ સ્વરૂપ ને આપણે પૂજીએ છીએ. સંપૂર્ણ કૃષ્ણ ને નહિ.
જયારે,  રામ ચરિત માનસમાં એક નજર નાખીએ તો રામ ચરીત માનસ એટલે કે રામ નું જીવન ચરિત્ર. રામ ના જીવનને ચરિત્રની ઉપમા મળી છે. રામ મર્યાદા માં રહે છે, આછા સ્મિત સાથે પણ એક ગંભીર વ્યક્તિત્વ. 
રામનું જીવન એ લીલા નથી. લીલા કરવી એ તો કૃષ્ણ નું જીવન છે. કૃષ્ણ ગંભીર નથી. કૃષ્ણ નું જીવન એ ચરિત્ર નથી પણ લીલા છે.  એટલે જ આપણે કૃષ્ણ લીલા એમ કહીએ છીએ. 
રામનું જીવન મર્યાદામાં બંધાયેલું છે. મર્યાદા બહાર કશું જ નહિ. 
કૃષ્ણ માટે મર્યાદા જેવો કોઈ શબ્દ જ નથી. બધુજ અમર્યાદ..... પૂરે પુરા સ્વતંત્ર. કોઈ સીમા ના બંધન નહિ.
અદ્વૈત નો આવો અર્થ કૃષ્ણ સમજાવે છે, શરીર અને આત્મા એ બે અલગ નથી,  પણ જ્યાં આત્માનો છેડો જણાય તે શરીર અને જ્યાં શરીર નો છેડો દેખાય તે આત્મા. 
પરમાત્મા અને સંસાર બે ભિન્ન વસ્તુ નહિ પણ એક જ. 
પરમાત્મા અને પ્રકૃતિ માં ભેદ નહિ, પરમાત્માનો જે ભાગ જોઈ શકાય છે તે પ્રકૃતિ અને જે અદ્રશ્ય છે તે પરમાત્મા. 
પ્રકૃતિ લીન થતાં થતાં પરમાત્મા બની જાય છે, અને પરમાત્મા પ્રગટ થતાં થતાં પ્રકૃતિ બની જાય છે. 
આ અદ્વૈત ની ધારણા જયારે સ્પષ્ટ થઇ જશે ત્યારે કૃષ્ણ ને સમજી શકાશે. 
સરળ અર્થ માં, ઉંચે જવું હોય તો તેટલા જ નીચે જવું પડે. જે રીતે વૃક્ષ જેટલું આકાશ ને આંબતું જાય એટલા જ એના મૂળ પાતાળ સુધી નીચે ગયેલા હોય તદન એ જ રીતે. ઉંચાઈ અને નીચાઈ બે અલગ નહિ પણ એક સિક્કા ની બે બાજુ. 
આવું જ્ઞાન કૃષ્ણ સિવાય કોણ આપી શકે. 
મનુષ્યનું મન સદાય બે અસમાનતાઓ ની વચ્ચે પસંદગી કરે છે. સ્વર્ગ ને ઈચ્છે છે અને નર્ક ને નફરત કરે છે. શાંતિ ચાહે છે અને અશાંતિ થી દુર ભાગે છે. અંધકાર થી દુર ભાગે છે અને ઉજાસ મેળવવાના પ્રયત્ન કરે છે. મનુષ્યનું મન આ સમગ્ર અસ્તિત્વ ને બે ભાગ માં વહેચી એક ને પસંદ કરે છે અને બીજા થી દુર ભાગે છે. એકલા કૃષ્ણ બંને પરિસ્થતિ ને એક સાથે સ્વીકાર કરવાનું કહે છે. જીવન માં કોઈ પણ પરિસ્થિતિ થી ભાગવું નહિ જીવન જેવું છે તેવો તેનો સ્વીકાર કરવો. 
જીવન ની સમગ્રતા સમજ માં આવે તો જીવન ની પૂર્ણતા પામી શકાય અને જે બંને નો સ્વીકાર કરી શકે તે જ પૂર્ણ બની શકે. 
માટે જ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે.. 
જયારે મનુષ્યતા આવા વ્યક્તિત્વ ને સમજવામાં થાપ ખાઈ જાય છે ત્યારે કાં તો એને પૂજવા માંડે છે કાં તો એનો વિરોધ કરવા માંડે છે. 
કૃષ્ણ સંપૂર્ણતાનું પ્રતિક છે. ગીતા જેવો પરમ બોધ મનુષ્ય જાતિ ને આપનાર કૃપાળુ કૃષ્ણ ને મંદિર માં બંધ કરી ને પૂજાય નહિ પણ એને તો મન ભરી ને જીવાય માત્ર.

No comments:

Post a Comment