Pages

Saturday, July 25, 2020

યુદ્ધમ દેહી......

“બહુ થયું હવે, નાના છમકલા થી નહિ ચાલે,

ખૂન નો બદલો ખૂન, ખાલી વાતો થી નહિ ચાલે.”

 

યુદ્ધ એજ કલ્યાણ. કયા હિંદુ શાસ્ત્રમાં ફક્ત શાંતિ ની વાત કરી છે એ બતાવો. આપણા બધા જ ધર્મ શાસ્ત્ર માં યુદ્ધ ની જ વાતો છે. આટલા મહાન ધર્મ ને માનનારા હિંદુઓ દિવસે દવસે કેમ સંકુચિત થતાં જઈ રહ્યા છીએ, શું શાંતિ અને કાયરતા વચ્ચે ની ભેદ રેખા ને આપણે ભૂલી ચુક્યા છીએ? અહિંસાના ના ભોગે અશાંતિ મળતી હોય તો એ સ્વીકાર્ય ખરી? શાંતિ માટે યુદ્ધ કરવું પડે તો એ પણ સ્વીકાર્ય હોવું જ જોઈએ. રોજે વાંચીએ છીએ જોઈએ છીએ સરહદ પર કેટલા જવાન શહીદ થાય છે. યુદ્ધ કરતા કરતા નહિ, પરંતુ દેશ ની સીમા ની રક્ષા કરતા. શું એ જવાનની જીંદગી કીમતી નથી? ક્યાં સુધી આપણે આમ જ સરહદ પર આપણા જવાનોની કુરબાની આપતા રહીશું? અને ઘર માં આરામથી બેસી પાડોશી દેશ ની નિંદા કરતા રહીશું? આપણો દેશ કઈ શાંતિ ની ઘેલછા માં રોજે આવા સેકડો જવાનો ની કુરબાની આપવાની કાયરતા કરી રહ્યો છે. શું શાંતિ ની સ્થાપના માટે આવી માનસિકતા યોગ્ય છે? શ્રી કૃષ્ણ એ ધર્મ ની સ્થાપના માટે યુદ્ધ એજ કલ્યાણ એમ કહી યુદ્ધ નહોતું કરાવ્યું?

પ્રાચીન ભારતની સીમા નો વિસ્તાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, તિબેટ, ભૂતાન, બાંગ્લાદેશ, બર્મા, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, વિયેતનામ, મલેશિયા, જાવા, સુમાત્ર, માલદીવ અને અન્ય નાના મોટા દેશ સુધી વિસ્તરેલો હતો. આજ ના નકશા માં ભારત નો ભૌગોલિક વિસ્તાર અર્ધો જ રહેવા પામ્યો છે. કારણ..... આપણી શાંતિવાદી મનોવૃત્તિ. યુદ્ધ નહિ કરવાની માનસિકતા.  

ભગવાન રામ નું જીવન ચરિત્ર જો સાચે જ સમજ્યા હોત તો આજે આટલા વર્ષે રામ મંદિર માટે આટલો સંઘર્ષ ના કરવો પડયો હોત. ભગવાન રામે આંતરિક શત્રુ સાથે કોઈ સંવાદ નથી કર્યો. દરેક શત્રુ ને સીધા મોત ને ઘાટ ઉતાર્યા છે. રાવણ સાથે સંવાદ જરૂર કર્યો કેમ કે એ પાડોશી દેશ હતો એટલે ત્યાં વાતચીત જરૂરી હતી, રામે રાવણ સાથે પણ યુદ્ધ કરી એને પરાસ્ત કર્યો છે. નથી લાગતું પાડોશી દેશ સાથે આપણી બહુ વાતચીતો થઇ ગઈ.  હવે યુદ્ધ એ જ આખરી ઉપાય, યુદ્ધ એ જ વિશ્વ નું કલ્યાણ એમ નથી લાગતું?

માતા પોતાના પુત્ર ને જીવન માં એક વાર મારો કાનો કે મારો કનૈયો એમ કહી ને જરૂર બોલાવે છે. દરેક માતા ઈચ્છે છે કે મારો પુત્ર કૃષ્ણ જેવું જીવન જીવે. પણ કયા કૃષ્ણ જેવું ? ગોપી ઓ ના પ્યારા કૃષ્ણ જેવું ? રાસલોલા રમતા કૃષ્ણ જેવું ? સાચા અર્થ માં તો દરેક માતા એ અર્જુન ને મહાભારત જેવા યુદ્ધ ની પ્રેરણા આપનારા કૃષ્ણ જેવા પુત્ર ની કામના કરવાની જરૂર છે.

જેટલા અવતાર થયા તેમાં થી કયા અવતારે શાંતિ નો સંદેશ આપ્યો છે તે શોધી બતાવો. દરેક દરેક દેવી દેવતા સંપૂર્ણ પણે શસ્ત્રો થી સજ્જ,  શત્રુ પર ભીષણ પ્રહાર કરી તેનો સંપૂર્ણ વિનાશ કરનારા છે. તો આવા દેવી દેવતા ની પૂજા આરાધના કરનારા આપણે કોના થી ભયભીત છીએ? શાંતિની વૃતિ કોણે જગાડી હિદુઓમાં ? એક વાર દેવી પુરાણ, દુર્ગા સપ્તશતી નો પાઠ કરી જોજો. કેવા યુદ્ધ લડયા છે માતાએ, એ સમજજો.  

યુદ્ધ એટલે વિનાશ, યુદ્ધ થાય પછી દેશ ૨૦ થી ૨૫ વર્ષ પાછળ જતો રહે. યુદ્ધ થી બંને તરફ ખાલી બરબાદી જ થાય. બંને તરફ નુકસાન થાય. શાંતિ એ જ સાચો ઉપાય. વ્યર્થ અને સાવ પોકળ વાતો છે આ બધી. નપુસંક અને બાયલા લોકો ના વિચાર છે આ બધા. એવી શાંતિ ની કામના ને શું કરવાની જે રોજ તમને અશાંતિ સિવાય કઈ જ આપી ના શકે. યુદ્ધ બને ત્યાં સુધી ટાળવું જોઈએ પણ શાંતિ ના ભોગે તો નહિ જ.

ઘણા લોકો નો વિચાર છે કે મહાભારત નું યુદ્ધ થયું તેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. વિશ્વ ના શ્રેષ્ઠ યોદ્ધા ઓ કમોતે મર્યા. શ્રી કૃષ્ણ એ રાજનીતિ અને કપટ કરી કૌરવ પક્ષે લડતા તમામ વીર મહારથી યોદ્ધાઓ ને મોત ને ઘાટ ઉતાર્યા. શ્રી કૃષ્ણ એ ઈચ્છ્યું હોત તો આ ભયાનક યુદ્ધ ટળી શક્યું હોત. જો મહાભારત નું યુદ્ધ ના થયું હોત તો ભારત આજે બહુ જ સુખી અને સંપન્ન દેશ હોત. પણ ખરેખર વાત આના થી તદ્દન ઉંધી છે.  શ્રી કૃષ્ણ જેવા જો પાંચ થી દસ અવતાર છેલ્લા ૫૦૦૦ વર્ષ માં બીજા થયા હોત તો ભારત નો ઈતિહાસ કંઇક અલગ જ હોત. એ મહાભારત જેવા બીજા મહાભારત ના પાંચ દશ યુદ્ધ આપણે લડયા  હોત તો ખરેખર ભારત દેશ વિકાસ ની ચરમ સીમા ઉપર હોત.

યુદ્ધ થાય અને તેના કારણે જો નુકસાન થતું હોત, વિકાસ અટકી જતો હોત તો તો ભારત દેશ આજે વિશ્વ માં સહુ થી વધુ સંપન્ન અને સુખી દેશ હોત. કારણ ભારત તો મહાભારત ના યુદ્ધ સિવાય કોઈ ભીષણ યુદ્ધ લડ્યું જ નથી. ભારત પાકિસ્તાન નું યુદ્ધ એ તો નાના છમકલા સમાન જ છે. ઈતિહાસ માં નજર કરશો તો ખયાલ આવશે કે જે દેશો એ ભીષણ યુદ્ધ કર્યા છે તે દેશ આજે સુખી અને મહા તાકાતવર ની શ્રેણી માં આવે છે. બે વિશ્વ યુદ્ધ અત્યાર સુધી માં થઇ ચુક્યા છે. જર્મની લગભગ પ્રથમ વિશ્વ યુદ્ધ માં તૂટી ચુક્યું હતું. જાપાન ઉપર અણુબોમ્બ પડયો અને તેના બે મહત્વપૂર્ણ શહેર નો સંપૂર્ણ સફાયો થઇ ગયો હતો. જરા વિચાર કરો પ્રથમ વિશ્વ યુદ્ધ માં આટલી હાની પછી જર્મની બીજા વિશ્વ યુદ્ધ માં જે રીતે લડયું કોઈ વિચારી શકે કે એ આટલું જલદી બેઠું થાય? જર્મની અનેક ગણું શક્તિશાળી બની ને બીજા વિશ્વયુદ્ધ માં લડયું છે. જાપાન આજે એશિયા ખંડ માં એક માત્ર વિકાસશીલ દેશ છે. મહાભારત ના યુદ્ધ માં જે શસ્ત્રો નું વર્ણન છે અદલ તેવાં શસ્ત્રો નો ઉપયોગ બે વિશ્વયુદ્ધ માં કરવામાં આવ્યો છે. યુદ્ધ થી વિનાશ જ થાય છે તો વિશ્વ યુદ્ધ માં ભાગ લેનારા આ દેશો એ વિકાસ કઈ રીતે કર્યો? જો આ દેશો એ યુદ્ધ પ્રથમ યુદ્ધ પછી શાંતિ ની વ્યર્થ વાતો કરી હોત તો કદાચિત આજે આટલા આગળ ના આવી શક્યા હોત. મહાભારત પછી જે શાંતિવાદ ભારત માં ચાલ્યો. કદાચ એ જ કારણ છે કે ભારત વિકાસ નથી કરી શક્યું અને આપણું પતન થયું. એ હદે કે ૧૦૦ કરતા વધુ વર્ષ સુધી આપણે ગુલામ રહ્યાં. અહિંસા ની વાતો ની પાછળ કદાચ આપણી કાયરતા છુપાયેલી છે. યુદ્ધ નહિ કરવાની માનસિકતા પાછળ મરી જવાનો ડર વધુ ભાગ ભજવતો હોય એમ લાગે છે. પણ આપણા યુદ્ધ નહિ કરવા થી યુદ્ધ બંધ થયાં છે? આપણે લડવા નહિ જઈએ એના થી લડાઈ બંધ થઇ છે ખરી? ના શાન્તીવાદ ની કામના કરવા વાળા આપણે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે યુદ્ધ કરવું જ પડયું છે, કયારેક મોગલો વતી, કયારેક અંગ્રેજો વતી. અને છેલ્લે ગુલામી માં થી મુક્તિ માટે પણ લડવું જ પડયું. ભારતે શાંતિવાદી ઓ ની વાત માની અને આપણું પતન થયું. કૃષ્ણ યુદ્ધવાદી નથી, કોઈ સાથે પક્ષપાત કરવાની વૃતિ નથી, કોઈને દુ:ખ આપવાનો આશય નથી, કૃષ્ણ એ યુદ્ધ રોકવા ના દરેક સંભવ પ્રયાસ કર્યા હતા. પણ કૃષ્ણ ધર્મ ની કીમત પર યુદ્ધ નહિ કરવા માટે રાજી નહોતાં. દેશ ના નિર્દોષ લોકો ને નુકશાન ના થાય તે માટે દરેક ઈચ્છે છે કે યુદ્ધ ના થાય, પણ જો યુદ્ધ ના થવાના કારણે લોકો ના જીવન ને નુકશાન થતું હોય તો એનો શું અર્થ? શાંતિ ખંડિત નહિ કરવા માટે યુદ્ધ નો નિર્ણય કરવાની હિંમત કરવાની જરૂર ખરી કે નહિ?

કૃષ્ણ યુદ્ધવાદી નથી, યુદ્ધથી ભાગનાર પલાયનવાદી પણ નથી. લોક કલ્યાણ માટે વિશ્વ કલ્યાણ માટે જો યુદ્ધ કરવું પડે અને ચાલે એમ ના જ હોય તો પછી આનંદ પૂર્વક યુદ્ધ કરવું એજ ગીતા ઉપદેશ. આ ઉપદેશ ક્યારે ભારત દેશ ની પ્રજા જીવન માં ઉતારશે? કૃષ્ણ ની વાત સંપૂર્ણ માનવ જીવન ની છે, જો તે સમજ માં આવી જાય તો શાંતિ કે યુદ્ધ બંને ને છોડવાની જરૂર નથી પડવાની. યુદ્ધ માં સંપૂર્ણ રીતે ઉતરનારા દેશ આજે ચંદ્ર અને બીજા ગ્રહો પર યાન ઉતારી શક્યા છે. ચંદ્ર અને મંગળ ઉપર યાન ઉતારવા પાછળની માનસિકતા ત્યાં વસાહત સ્થાપવા માટે ની નથી, પરંતુ પૃથ્વી પર આડકતરી રીતે કબજો કરવા માટે ની છે. ચંદ્ર પર યુદ્ધ મિસાઈલ મૂકી પૃથ્વી પર ના કોઈ પણ દેશ ને સીધું નિશાના પર મૂકી શકાય એમ છે? કદાચ ભવિષ્ય માં ચંદ્ર કે મંગળ પર જે દેશ માનવ ને ઉતારી શક્યો તે પૂરી પૃથ્વી પર રાજ કરશે.

અને છેલ્લે- અભિનંદન જયારે પાકિસ્તાની યુદ્ધ વિમાનનો પીછો કરતાં કરતાં દુશ્મન દેશ ની સીમા માં પકડાઈ જાય છે ત્યારે દરેક ભારતવાસી ના મન માં એક જ સવાલ હતો, શું પાકિસ્તાન માંથી અભિનંદન પાછા ભારત આવી શકશે કે યુદ્ધ બંદી બની ને કાયમી પાકિસ્તાન માં રહેશે? રામ રાજ્ય ની કામના કરવા વાળા મારા ભારત વાસીઓ એ ક્યારે સમજશે કે હનુમાનજી લંકા દહન કરી ને પોતાના દેશ માં પાછા આવી જ જાય લંકા ની એવી કોઈ કેદ નથી જ્યાં હનુમાનજી ને કેદ કરી શકાય.


Saturday, July 18, 2020

સંપૂર્ણતાનું પ્રતિક એટલે -'કૃષ્ણ'



મનુષ્ય આજે ૫૦૦૦ વર્ષ પછી પણ કૃષ્ણને સમજી શકે તે અવસ્થા પર નથી પહોચી શક્યો. 
કૃષ્ણ આજે પણ મનુષ્ય ની સમજની બહાર છે. એક એવું વ્યક્તિત્વ જે ધર્મની પરમ ઉચ્ચતાના શિખર પર પહોચવા છતાં ગંભીર નથી, ઉદાસ નથી. એ તો મોરલી વગાડતા, સદાય હસતાં, ગીત ગાતા અને નાચતા અને રાસ લીલા કરતા વ્યક્તિ. 
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જેટલા અવતાર થયાં છે તે બધા આંશિક અવતાર છે, એકલા કૃષ્ણ પૂર્ણ અવતાર છે. 
રામ પણ પરમાત્મા નો અંશ જ ગણાય છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ એટલે કે પોતે પરમાત્મા છે. 
શ્રી હરી વિષ્ણુની આઠ કળા રામ ભગવાનમાં અવતરી હતી,  જયારે કૃષ્ણે તો સોળે કળા સાથે આ મનુષ્ય લોકમાં માનવ કલ્યાણ માટે દેહ ધારણ કરેલો હતો. 
કૃષ્ણની સામે બીજા અવતાર જીવન વિરોધી જ ભાસે છે. 
બીજા અવતાર આ જીવન સિવાયના પરલોક ના જીવનની વાતો કરે છે. મોક્ષ ની વાતો કરે છે, કૃષ્ણ સિવાય દરેક જીવનના બે ભાગ કરી ને સ્વીકાર અને અસ્વીકારનું જીવન જીવવાનું કહે છે. 
માત્ર   કૃષ્ણ જ સમગ્ર જીવનને પૂરે પૂરું સ્વીકાર કરી જીવવાની વાત કરે છે. 
કૃષ્ણ એ દમનના વિરોધી છે. જીવન ના દરેક રંગનો સ્વીકાર કરવાની વાત કરે છે. એ પ્રેમ કરે છે, વિશુદ્ધ પ્રેમ. જરૂર પડે એ યુદ્ધ પણ કરે છે. પ્રેમ અને કરુણા થી ભરેલા કૃષ્ણમાં યુદ્ધ કરવાનું પણ સામર્થ્ય છે. સદા એમનું ચિત પરમાત્મામાં લીન એટલે કે અહિંસક ચિત વાળા છતાં યુદ્ધના દાવાનળમાં ઉતરી શકે છે. 
તેઓ અર્જુનને ગીતાના ઉપદેશ તરીકે સમજાવે છે,  કે જીવનમાં અમૃત જરૂરી છે પણ જો વિષ મળે તો તેનો પણ ભય નહીં રાખવાનું સમજાવે છે. એવું અમૃત શું કામનું કે જે વિષ થી ડરી જાય. 
અહિંસા એટલે શું એ જેને સમજમાં આવી ગયું એને હિંસાનો વળી ભય શાનો? 
અને એથી વિપરીત એવી અહિંસા શું કામની જે હિંસાથી ભયભીત અને ગભરાયેલી હોય.
ઠીક એજ પ્રમાણે એવી આત્માનું શું પ્રયોજન જેને શરીરથી ભય હોય. એવા પરમાત્માનો શું અર્થ જે સમગ્ર સંસારને પોતાનામાં લીન ના કરી શકે? 
કૃષ્ણ જીવનના બંને પાસા નો એક સાથે સ્વીકાર કરે છે. શું આપણે કૃષ્ણ જેવા છે તેવાં અથવા તો તેમના દરેકે દરેક સ્વરૂપ નો એક સાથે સ્વીકાર કરી શક્યા છીએ?
 આપણે કૃષ્ણને પૂજીએ છીએ પણ ટુકડે ટુકડે.
 મીરાંના કૃષ્ણ યુવાન છે. મીરાબાઈ ત્રણ કે ચાર વર્ષના હતા ત્યારથી શ્રીકૃષ્ણની મૂર્તિ માં સમાઈ ગયા. ત્યાં સુધી મીરાં ના કૃષ્ણ તો સદાય યુવાન જ રહ્યા. 
સુરદાસ ના કૃષ્ણ સદાય બાળ ગોપાળ જ રહ્યા. કારણ બાળ ગોપાળ કૃષ્ણ જો ગોપીઓ ને છેડે કે એમનાં વસ્ત્ર છુપાવે તો બહુ વાંધો નથી પણ... યુવાન કૃષ્ણ જો ગોપીઓ ને છેડે તો પછી આપણી મુશ્કેલીઓ શરુ! આપણે આપણી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે દરેક વાત સમજીએ છીએ. એ સિવાય કોઈ ઉપાય પણ કદાચિત આપણી પાસે નથી, તો થશે એમ કે કોઈ કૃષ્ણ નું બાળ સ્વરૂપ પસંદ કરશે તો કોઈ યુવાન. કોઈ રાધા સાથે  તો કોઈ વાંસળી  વગાડતા એકલ મસ્ત કૃષ્ણ ને. 
કેટલા બધા સ્વરૂપ છે કૃષ્ણના – અર્જુન ને ગીતા નો ઉપદેશ આપવાવાળા કૃષ્ણ, રાસ રમતાં  કૃષ્ણ, યુદ્ધ ના મેદાન માં સારથી બનેલા કૃષ્ણ, સુદામાના પગ ધોતા મિત્રવત કૃષ્ણ. રાધા ને પ્રેમ કરનાર કૃષ્ણ, રુકમણી સાથે બિરાજતા કૃષ્ણ, દ્રોપદીના સખા કૃષ્ણ. 
લીધેલા સંકલ્પ ક્યારે પાળે અને ક્યારે સંકલ્પ તોડે એ તો કૃષ્ણ જ જાણે. યુદ્ધ માં શસ્ત્ર નહિ ઉપાડું એમ વચન આપનાર કૃષ્ણ ભીષ્મ પિતામહ સામે શસ્ત્ર પણ ઉગામે અને વચન ભંગ પણ  કરે. જરાસંઘ સાથે યુદ્ધ કરતા કરતા રણ છોડીને ૧૭ વખત ભાગે અને આપણે એમને રણછોડ કહીને બોલાવીએ અને એમાં પણ આપણા હ્રદય માં માત્ર પ્રેમ જ ઉમટે.
આટલો બધો વિરોધાભાસ એક જ વ્યક્તિ માં? આટઆટલી પરસ્પર વિરોધી બાબતોને પોતાનામાં સમાવીને આનંદિત મુદ્રા માં વાસળી વગાડતા કૃષ્ણ માનવતા માટે એક રહસ્ય સમાન જ રહ્યા છે.
 રાગ, પ્રેમ, ભોગ, કામ, ધ્યાન, યોગ, આત્મા-પરમાત્મા આ બધાનો સમન્વય એટલે કૃષ્ણ. કૃષ્ણ સિવાય કદાચ આ જગત માં આટલા વ્યક્તિત્વ સાથે જીવન જીવનાર બીજું કોઈ નહિ મળે. 
એટલે જ કૃષ્ણ ના અલગ અલગ સ્વરૂપ ને આપણે પૂજીએ છીએ. સંપૂર્ણ કૃષ્ણ ને નહિ.
જયારે,  રામ ચરિત માનસમાં એક નજર નાખીએ તો રામ ચરીત માનસ એટલે કે રામ નું જીવન ચરિત્ર. રામ ના જીવનને ચરિત્રની ઉપમા મળી છે. રામ મર્યાદા માં રહે છે, આછા સ્મિત સાથે પણ એક ગંભીર વ્યક્તિત્વ. 
રામનું જીવન એ લીલા નથી. લીલા કરવી એ તો કૃષ્ણ નું જીવન છે. કૃષ્ણ ગંભીર નથી. કૃષ્ણ નું જીવન એ ચરિત્ર નથી પણ લીલા છે.  એટલે જ આપણે કૃષ્ણ લીલા એમ કહીએ છીએ. 
રામનું જીવન મર્યાદામાં બંધાયેલું છે. મર્યાદા બહાર કશું જ નહિ. 
કૃષ્ણ માટે મર્યાદા જેવો કોઈ શબ્દ જ નથી. બધુજ અમર્યાદ..... પૂરે પુરા સ્વતંત્ર. કોઈ સીમા ના બંધન નહિ.
અદ્વૈત નો આવો અર્થ કૃષ્ણ સમજાવે છે, શરીર અને આત્મા એ બે અલગ નથી,  પણ જ્યાં આત્માનો છેડો જણાય તે શરીર અને જ્યાં શરીર નો છેડો દેખાય તે આત્મા. 
પરમાત્મા અને સંસાર બે ભિન્ન વસ્તુ નહિ પણ એક જ. 
પરમાત્મા અને પ્રકૃતિ માં ભેદ નહિ, પરમાત્માનો જે ભાગ જોઈ શકાય છે તે પ્રકૃતિ અને જે અદ્રશ્ય છે તે પરમાત્મા. 
પ્રકૃતિ લીન થતાં થતાં પરમાત્મા બની જાય છે, અને પરમાત્મા પ્રગટ થતાં થતાં પ્રકૃતિ બની જાય છે. 
આ અદ્વૈત ની ધારણા જયારે સ્પષ્ટ થઇ જશે ત્યારે કૃષ્ણ ને સમજી શકાશે. 
સરળ અર્થ માં, ઉંચે જવું હોય તો તેટલા જ નીચે જવું પડે. જે રીતે વૃક્ષ જેટલું આકાશ ને આંબતું જાય એટલા જ એના મૂળ પાતાળ સુધી નીચે ગયેલા હોય તદન એ જ રીતે. ઉંચાઈ અને નીચાઈ બે અલગ નહિ પણ એક સિક્કા ની બે બાજુ. 
આવું જ્ઞાન કૃષ્ણ સિવાય કોણ આપી શકે. 
મનુષ્યનું મન સદાય બે અસમાનતાઓ ની વચ્ચે પસંદગી કરે છે. સ્વર્ગ ને ઈચ્છે છે અને નર્ક ને નફરત કરે છે. શાંતિ ચાહે છે અને અશાંતિ થી દુર ભાગે છે. અંધકાર થી દુર ભાગે છે અને ઉજાસ મેળવવાના પ્રયત્ન કરે છે. મનુષ્યનું મન આ સમગ્ર અસ્તિત્વ ને બે ભાગ માં વહેચી એક ને પસંદ કરે છે અને બીજા થી દુર ભાગે છે. એકલા કૃષ્ણ બંને પરિસ્થતિ ને એક સાથે સ્વીકાર કરવાનું કહે છે. જીવન માં કોઈ પણ પરિસ્થિતિ થી ભાગવું નહિ જીવન જેવું છે તેવો તેનો સ્વીકાર કરવો. 
જીવન ની સમગ્રતા સમજ માં આવે તો જીવન ની પૂર્ણતા પામી શકાય અને જે બંને નો સ્વીકાર કરી શકે તે જ પૂર્ણ બની શકે. 
માટે જ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે.. 
જયારે મનુષ્યતા આવા વ્યક્તિત્વ ને સમજવામાં થાપ ખાઈ જાય છે ત્યારે કાં તો એને પૂજવા માંડે છે કાં તો એનો વિરોધ કરવા માંડે છે. 
કૃષ્ણ સંપૂર્ણતાનું પ્રતિક છે. ગીતા જેવો પરમ બોધ મનુષ્ય જાતિ ને આપનાર કૃપાળુ કૃષ્ણ ને મંદિર માં બંધ કરી ને પૂજાય નહિ પણ એને તો મન ભરી ને જીવાય માત્ર.

Saturday, July 11, 2020

રામ મેનેજમેન્ટ ગુરુ...


અત્યાર ના યુગ ની વાત કરીએ તો જીવનનું દરેક કાર્ય સુચારુ રીતે વ્યતીત થતું રહે એ ખુબજ જરૂરી છે અને એના માટે ના પ્રયત્ન આપણે બધા કરતાજ હોઈએ છીએ. દરેક ક્ષણે દરકે બાબત નું સંચાલન વ્યવસ્થિત રીતે થવું આવશ્યક છે. રામાયણ પ્રમાણે જોવા જઈએ તો આ રામ માં એક શ્રેષ્ઠ સંચાલકના બધા જ ગુણ જોવા મળે છે. કયા વ્યક્તિ માં શું ક્ષમતા છે અને તે કયું કાર્ય કુશળતા પૂર્વક કરી શકશે તે જોવાની દીર્ધ દ્રષ્ટી રામ પાસે છે.  રામાયણ માં હનુમાનજી  નો ખાસો મહિમા છે. પણ આજે એક એવા પાત્ર ની વાત કરવી છે જેની પાસે હનુમાનજી જેવી બુદ્ધિ, સાહસ અને પરાક્રમ છે. એ પાત્ર નું નામ છે અંગદ. બાલી પુત્ર અંગદ. 

सुनु सर्बग्य सकल उर बासी। बुधि बल तेज धर्म गुन रासी॥मंत्र कहउॅ निज मति अनुसारा। दूत पठाइअ बालि कुमारा॥

રામ રાવણ યુદ્ધ શરુ થવા પહેલા નો દિવસ: રામ વાનર સેના સાથે લંકા પહોચી ને સભા નું આયોજન કરે છે અને રાવણ ને એક વધુ વખત સમજાવવા ના પ્રયત્ન રૂપે પોતાનો એક દૂત રાવણ પાસે મોકલવાનો પ્રસ્તાવ મુકે છે અને દૂત તરીકે બધા ફરી એક વાર હનુમાનજી ને રાવણ ના દરબાર માં મોકલવા માટે એક મત થાય છે ત્યારે જામવંત જી હનુમાનજી ની જગ્યાએ અંગદ ને દૂત તરીકે મોકલવા નું કહે છે. આ સલાહ બધા ને ગમે છે અને આના થી રાવણ ને એ પણ ખબર પડશે કે રામ ની સેના માં હનુમાનજી તો ખરા પણ એમના સિવાય બીજા પણ એક એક થી પરાક્રમી અને સાહસી વીર છે. 

રામ આટલું મહત્વપૂર્ણ કાર્ય અંગદ ને સોપવા છતાં એટલુજ કહે છે કે   તું મારું કાર્ય પર પાડવા માટે લંકા જા. તું ખુબજ સમજદાર અને બુદ્ધિશાળી છે, હું તને શું સલાહ આપુ, શત્રુ સાથે ફક્ત એજ વાત કરજે કે જેના થી આપનું કામ થઇ જાય અને શત્રુ નું કલ્યાણ થાય.  बहुत बुझाइ तुम्हहि का कहऊँ। परम चतुर मैं जानत अहऊँ॥ काजु हमार तासु हित होई। रिपु सन करेहु बतकही सोई॥
 
યુદ્ધ ના આગલા દિવસે દશાનન રાવણ ના દરબાર માં અંગદ દૂત તરીકે જાય છે અને એક દૂત નું કર્તવ્ય શું હોઈ શકે અને પોતાના સ્વામી ની વાત કઈ રીતે પહોચાડવી એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે. લંકાના દરબાર માં પહોચતા જ અંગદ ને જોઈ ને રાવણ કહે છે અરે બંદર તું કોણ છે. અંગદ શ્રી રામ નો દૂત છે અને રાવણ ને રામની શરણમાં જવા અને સીતા માતા ને પાછા આપવા સમજાવે છે. રાવણ પોતાના અહંકાર માં અંગદ ને કહે છે તું જાણે છે હું કોણ છું? અહી અંગદ શત્રુ ને કઈ રીતે યુદ્ધ પહેલા માનસિક રીતે તોડી પાડવો તે ઉદાહરણ આપે છે. અંગદ રાવણ ને કહે છે કે હા હું એ રાવણ ને જાણું છું જેને મારા પિતા બાલી એ પોતાની બાહુ માં પકડી ને પૃથ્વી નું ચક્કર લગાવ્યું હતું.  હું એ પણ રાવણ ને જાણું છું જે સીતા માતા નું અપહરણ કરવા માટે ભાઈ લક્ષમણે જમીન પર દોરેલી રેખા ઓળંગી શક્યો નહોતો. હું એ રાવણ ને પણ ઓળખું છું જેણે એક વાનર ની પૂછડી માં આગ લગાવી એને દંડ આપવા પ્રયત્ન કર્યો હતો પણ એજ વાનર આખી સોનાની લંકા ને આગ લગાવી ને એ નગરી ને ખાખ કરી નાખી હતી. આ પ્રમાણે રાવણ નો ઉપહાસ કરી અંગદ તેના બુદ્ધિ ચાતુર્ય નો પરિચય આપે છે. આના થી રાવણ ખુબ ગુસ્સે થાય છે અને અંગદ ને એક દૂત તરીકે નું યોગ્ય સન્માન નથી આપતો. રાવણ ની સભા માં એક દૂત ને યોગ્ય સન્માન ના મળતા અંગદ રાવણ ને એક દૂત ને શોભે તેવું આસન આપવા માટે કહે છે પણ રાવણ અંગદ ને એક તુચ્છ વાનર સમજી તેનો ઉપહાસ કરે છે, તો અંગદ પોતાની જ પૂછડી વડે રાવણ ની સમકક્ષ આસન બનાવી તેની ઉપર બેસી જાય છે. અંગદ રાવણ ની સભામાં ખુલ્લે આમ પડકાર આપે છે કે રામ સાથે યુદ્ધ માં રાવણ ની બરબાદી જ છે એમાં રાવણ નો તેના પુત્રોનો અને કુળ નો નાશ થશે તેમ રાવણ ને સમજાવતા કહે છે.

અંગદ ના આવા વાચન સાંભળી રાવણ ખુબ ક્રોધિત થાય છે અને સૈનિકો ને આદેશ આપે છે કે આ મુર્ખ વાનર ને પકડી ને બંદી બનાવી લો. અંગદ કહે છે જો હું ચરિત્ર થી ઉજ્જવળ હોઉં તો મારો આ પગ તમારા માં થી કોઈ પણ એક ક્ષણ માટે પણ ખસેડી શકશે તો હું રામ વતી વચન આપું છું કે રામ સીતા માતા નો ત્યાગ કરી ને હમેશા માટે અયોધ્યા પાછા જતા રહેશે. પછી અંગદ પોતાનું શરીર વિશાળ અને બળવાન બનાવી પોતાનો પગ જમીન પર સ્થિર કરે છે, રાવણ ના દરબાર માં એક પણ એવો વીર નહોતો જે અંગદનો પગ એક ક્ષણ માટે પણ ઉંચો કરી શકે. આખરે રાવણ પોતે અંગદ નો પગ ખસેડવા આવે છે પણ અંગદ કહે હે તમે રાજા છો અને રાજા પાસે આ કાર્ય કરાવવું યોગ્ય નથી. અને છેલ્લે રાવણ ને સલાહ આપે છે કે મારા પગ પકડવા કરતા પ્રભુ શ્રી રામ ના પગ પકડીશ તો તારું કલ્યાણ થશે.

દૂત તરીકે અંગદ ની પસંદગી કર્યા પછી રામે અંગદ ને રાવણ ની લંકા માં જવા માટે જ કહ્યું હતું. રામે અંગદ ને કોઈ જ સલાહ સૂચનો આપ્યા નથી કે ત્યાં જઈ ને તેણે શું કરવાનું છે. આ છે રામ નો પોતાના માણસ ઉપર નો વિશ્વાસ. આ છે સંચાલન ની કળા. આપણા રોજીંદા જીવન માં આપણે નજર કરીએ તો જે કાર્ય આપણે બીજા દ્વારા કરાવવાનું હોય તેના પર સંપૂર્ણ ભરોસો નથી રાખી શકતા, ઉદાહરણ તરીકે જો આપણા કાર્યાલય માં આપને કોઈ કામ આપણી હાથ નીચે ના વ્યક્તિ ને સોપીએ તો કેટલા દિશા નિર્દેશો આપતા હોઈએ છીએ કે આ કામ આ રીતે કરજે. એને જાતે તે કાર્ય કરવા દઈએ છીએ? વિચાર કરજો.  ઘર ના વ્યક્તિ ને બજાર માં કોઈ વસ્તુ ખરીદવા માટે મોકલીએ તો તેને કેટલું સમજાવી ને મોકલતા હોઈએ છીએ કે આ રીતે આ રસ્તે જજે, અહી થી ખરીદજે, વગેરે વગરે.... સામે વાળી વ્યક્તિ ને જાતે પોતાના નિર્ણય લેવા દેવા તેના માં રહેલી કાર્ય ક્ષમતા બહાર લાવવી અને કોઈ પણ કાર્ય તેને તેની જાતે કરવા દેવું તે રામ પાસે શીખવા જેવું છે.

સીતારામ

Sunday, July 5, 2020

આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. આજે રામ વિષે વાત કરવી છે. એ રામ જે ઉત્તમ શિષ્ય અને શ્રેષ્ઠ ગુરુ છે


તુલસી દાસ અને  રહીમ નો સંવાદ - 
રામ ઘાટ પર રહીમ બેઠા છે અને એ ઘાટ પર ની ધૂળ પોતાના મસ્તક પર નાખી રહ્યા હોય છે આ જોઈ તુલસીદાસે કહ્યુ - ધૂર ધરત નિજ શિશ પર કહ રહીમ કિહ કાજ.
રહીમે ઉત્તર આપ્યો કે જે ચરણ રજ વડે ગૌતમ મુની ની પત્ની નો ઉદ્ધાર થયો એ રામ ની ચરણ રજ હું આ ધૂળ માં શોધું છું. -  જીહ રજ મુની પત્ની તરી સો ખોજત મહારાજ

રામ ખાલી હિંદુ ઓ ના નથી, રામ તો આ સમગ્ર સૃષ્ટી ના છે. એ આ ઉપર ના સંવાદ ઉપર થી સાબિત થાય છે.
 
આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. આજે રામ વિષે વાત કરવી છે. એ રામ જે ઉત્તમ શિષ્ય અને શ્રેષ્ઠ ગુરુ છે. રામ જેવા રાજા આજ સુધી થયા નથી માટે જ કહીએ છીએ કે રાજ્ય હોય તો રાજા રામ જેવું. મિત્ર તરીકે, ભાઈ તરીકે, પુત્ર તરીકે, પિતા તરીકે પતિ તરીકે રામ ની તુલના કોઈ સાથે થઇ ના શકે.

રામ અયોધ્યા માં હતા ત્યાં સુધી રામ હતા, વન માં ગયા પછી મર્યાદા પુરુષોતમ રામ બની ને પાછા આવ્યા છે. રામ વિષે હજુ પણ આપણા માંથી ઘણા ને શંકા છે. આપને રામ ને સમજી જ નથી શક્યા. રામ હજુ પણ આપણા માટે પારકા જ છે. ભગવાન અલગ અલગ સ્વરૂપે માનવ દેહ ધારણ કરી ને મનુષ્ય ને સમજાવવા માટે આ પૃથ્વી પર જન્મ લે છે. ક્યારેક રામ, ક્યારેક કૃષ્ણ, ક્યારેક બુદ્ધ કે ક્યારેક મહાવીર. પણ આપણે ભગવાન ને મંદિર માં બંધ કરો દીધા છે, તેના બતાવેલા માર્ગ પર આપણે ચાલી નથી શકતા. એ માર્ગ આપણ ને અઘરો લાગે છે.  આપણે ધર્મ માં માનીએ છીએ પણ ધર્મ નું નથી માનતા.  આમ તો રામાયણ પ્રમાણે જોવા જઈએ તો રામનું જીવન દુખ અને અકસ્માતો ની ભારમારો થી ભરેલું છે. રામ કિશોર અવસ્થા માં હતા એટલે કે જયારે તેઓ ફક્ત ૧૫ વર્ષ ની ઉમર ના હતા ત્યારે વિશ્વામિત્ર રાજા દશરથ પાસે આવી રામ ને રાક્ષસો ના નાશ માટે વન માં લઇ ગયા. લગ્ન થયા પછી રાજ્યાભિષેક ના અગલા દિવસે વનવાસ મળ્યો, વન માં ભટક્યા, પત્ની નું અપહરણ થયું. 

વિશ્વામિત્ર એ રાજા દશરથ ને કહ્યું કે ધર્મ માં લાભ ઈચ્છો છો, યશ વધતો રહે એમ ઈચ્છો છો તો મને રામ આપી દો. મહારાજ દશરથે ઘણા પ્રયત્નો કર્યા રામ ને વિશ્વામિત્ર સાથે ના મોકલવા પડે.  રામ હજુ ખુબ નાના છે અને રાક્ષસો સામે કઈ રીતે લડી શકશે. હજુ શસ્ત્ર વિદ્યા નું જ્ઞાન નથી. અને મારા ચાર પુત્રો માં એ મોટા છે અને મારા પ્રિય છે માટે તમે મારી સેના રાક્ષસો ના નાશ માટે લઇ જાઓ પણ વિશ્વામિત્ર મેં કયું કે રામ ની પસંદગી કરવાનું એક જ કારણ છે. જીવન માં મનુષ્ય પાસે ચાર વસ્તુ આવે છે કે જે માં થી એક વસ્તુ પણ જો કોઈ પાસે આવી જાય તો મનુષ્ય અહંકારી થઇ જાય છે. યુવાની, ધન, સંપતિ અને પ્રભુત્વ. રામ પાસે આ ચારેય હોવા છતાં તે વિનમ્ર છે. માટે હું એમને લેવા આવ્યો છું એવું વિશ્વામિત્ર કહે છે. રામ ક્ષત્રિય છે પણ તેમનું મસ્તક તપસ્વી જેવું છે. ૧૦ દિવસ વિશ્વામીત્ર એ બંન્ને ભાઈ ને પોતાની સાથે રાખ્યા અને બધા જ શસ્ત્રો અને સાધના નું જ્ઞાન આપ્યું.  લક્ષ્મણ ને અતિબલા વિદ્યા આપી જેના દ્વારા ખુલી આંખે ઊંઘ લઇ શકાય. રામ પોતે ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા હતા, એ ધારત તો મહેલ માં રહી ને શિક્ષા પ્રાપ્ત કરી શક્યા હોત. પણ શિક્ષા ગ્રહણ કરવા માટે તો ગુરુ ઘરે જ જવું પડે એ રામ જાણતા હતા.

રામ સદાય શાંત, વિનમ્ર અને મુખ પર કાયમ સ્મિત રાખવા વાળા છે. રામાયણ માં રામ એક પણ પ્રસંગ માં ક્રોધિત થયેલા નથી જોવા મળ્યા. ગમે તેવી વિકટ પરિસ્થતિ માં કોઈ ની ઉપર નફરત નથી કરી. વનવાસ આપવામાં આવ્યો ત્યારે પણ એક જ ક્ષણ માં અનુમતિ આપી અને મુખ પર એ જ સ્મિત સાથે સહર્ષ એનો સ્વીકાર કર્યો અને વન માં જતા રહ્યા. એક યુવાન રાજ કુમાર કે જેનો રાજ્યાભિષેક થવાનો હતો તેની યુવાન પત્ની કે જે રાજકુમારી છે અને દુ:ખ શું છે તે તેને ખબર નથી તેને પણ રાજકીય કારણો સર વન માં જવું પડયુ.  હકીકત માં વનવાસ એટલે આપણે ટીવી માં જોઈએ છીએ એવું સુંદર સુરમ્ય જંગલ નહિ પણ જ્યાં પળે પળે દુઃખ, ભૂખ, જંગલી જનાવરો અને રાક્ષસો નો ભય છે એવું ભયાનક જંગલ. રામ ના જીવન માં આટલું ઓછું હતું ત્યાં તેમની પત્ની નું અપહરણ થયું. એ આખી પૃથ્વી ના રાજા હતાં. ધારત તો બીજા લગ્ન કરી શકત. પણ રામે પતિ એટલે કેવો પુરુષ તેનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે. સીતા ને કેટલો પ્રેમ કરે છે એ દર્શાવે છે કે રામ ઉત્તર થી દક્ષીણ સુધી ૩૦૦૦ કિલોમીટર નો પગ પાળા પ્રવાસ કરી અજાણ્યા રસ્તાઓ પાર કરી એમના ભાઈ લક્ષ્મણની સાથે સુગ્રીવ સાથે મિત્રતા કરી વાનરોની સેના બનાવી અને રાવણ જેવા શક્તિશાળી રાજા સાથે લડયા અને વિજય મેળવ્યો. વિજય પછી પણ એ એક આશ્ચર્ય છે કે રામ એક વર્ષ ના પશ્ચાતાપ માટે હિમાલય માં ગયા. ૧૪ વર્ષ ના વનવાસ પછી બીજું એક વર્ષ. આ રામ જ કરી શકે. લક્ષ્મણે કહ્યું કે ભાઈ,  રાવણે તમારી પત્ની નું અપહરણ કર્યું હતું અને એને મારવો યોગ્ય જ હતો તો રામે જવાબ આપ્યો કે રાવણ દશાનન હતો. એના નવ માથા માં અહંકાર, કપટ, લાલચ, વાસના વગેરે દુર્ગુણ હતા પણ, એનું દશમું મસ્તક જે હતું તે ભક્ત નું હતું, એ મહાન શિવભક્ત, પ્રકાંડ પંડિત, વેદો નો જાણકાર અને એક ઉત્તમ રાજા હતો અને તેની હત્યા કરવાથી મને ખુબ દુઃખ થયું છે અને હું તે પાપ ના પ્રાયશ્ચિત માટે હિમાલય માં એક વર્ષ તપસ્ચર્યા કરવા જવા ઈચ્છું છું. દુશ્મન માટે પણ આટલો જ અહોભાવ રાખતા હતા રામ .
આખી રામાયણ માં રામ હનુમાન ને સખા, તાત, મિત્ર અને ભાઈ તરીકે સંબોધે છે એક પણ વાર સેવક શબ્દ તેમના મુખ માંથી નથી બોલ્યા અને હનુમાન એક પણ વાર સ્વામી સિવાય કઈ બોલ્યા હોય એવી એક પણ ચોપાઈ નથી. આ છે ગુરુ અને શિષ્ય નો સંબંધ, આ છે ભક્ત અને ભગવાન નો પ્રેમ. 

આપણા માં થી ઘણા ને એક વાત નું દુઃખ અને શંકા છે કે રામે રાવણ સાથે યુદ્ધ જીત્યા પછી સીતા ની અગ્નિ પરીક્ષા કરી અને ત્યાર બાદ લોક નિંદા ના કારણે ગર્ભવતી સીતા ને વનવાસ આપ્યો. સમજવા જેવું છે કે વનવાસ દરમ્યાન જયારે સીતા ને પગ માં કાંટા વાગતા હતા ત્યારે રામ દુઃખી થઈ અને રડી પડયા હતા. પત્ની નાં દુઃખે દુઃખી થનાર રામ સીતા ને વનવાસ આપે? આટલો પ્રેમ કરના રામ સીતા ને લોક નિંદા કારણે ઘરે થી કાઢી મુકે? કઈકઈ એ જયારે રામ ને વનવાસ અપાવ્યો અને રાજ દરબાર માં તપસ્વી ના વસ્ત્ર પહેરવા માટે આપ્યા ત્યારે સીતા ને તે વસ્ત્ર પહેરતા નહોતા આવડતા તો રામ સીતા નું આ અપમાન સહન ના કરી શક્યા અને પોતાના હાથે સીતા ને વસ્ત્ર પહેરાવે છે. પત્ની નું અપમાન ના થાય માટે જાહેર માં આ કાર્ય કરનાર રામ સીતા ને વનવાસ આપી શકે? રામે સીતા ને વન માં પોતાની સાથે ના આવવા માટે પણ ઘણા સમજાવ્યા હતાં પણ પત્ની હઠ અને પ્રેમ આગળ રામે નમતું મુકવું પડયું અને સાથે વન માં લઇ જવા પડ્યા. યુદ્ધ જીત્યા પછી રામે વિભીષણ ને કયું કે સીતા ને આદર સાથે લઇ આવો. સીતા રાજા રામ ની પત્ની હોવાથી વિભીષણ સીતા માતા ને નાહી અને સ્વચ્છ સુંદર વસ્ત્ર માં રામ પાસે જવાનું કહે છે સીતા માતા એકપણ ક્ષણ નો વિલંબ કર્યા વગર સીધા જ રામ પાસે જવાનું કહે છે પણ વિભીષણ માનતા નથી અને સીતા સુંદર વસ્ત્ર માં નાહીને રામ સામે આવે છે. સીતા નું તેજસ્વી રૂપ અને મુખ જોઈ રામનું મુખ મ્લાન થઇ જાય છે અને મન માં વિચાર આવે છે કે જો સીતા આ રૂપ માં પ્રજા સામે આવશે તો પ્રશ્ન થશે કે રાવણ ના રાજ માં સીતા ને દુઃખ હતું જ નહિ. રામ ના મન ની વાત સીતા તરત સમજી જાય છે અને અગ્નિ દેવ ને પ્રાથના કરે છે કે હે અગ્નિદેવ મેં રામ ને એક ક્ષણ માટે વીસાર્યા હોય અને રામ ને અનન્ય પ્રેમ કર્યો હોય તો હે અગ્નિ દેવ મારી રક્ષા કરો અને આપણે બધા સમજીએ છીએ કે રામે સીતા ની અગ્નિ પરીક્ષા કરી.

જે ધનુષ ને રામ સિવાય કોઈ હલાવી પણ શક્યું નહોતું અને રામે જે ધનુષ્ય સ્વયંવર માં ઉચક્યું હતું અને તૂટી ગયું હતું તે ધનુષ વડે સીતા નાનપણ માં રમતા હતા. તો શું એ રાવણ ની કેદ માંથી છુટી નહોતા શકતા? રાવણ ના રાજ્ય માં સીતા નો એ નૈતિક સત્યાગ્રહ હતો, સીતા બંધનમાં હતા પણ બાધ્ય નહોતા. જયારે પણ રાવણ અશોકવાટિકા માં સીતા ને સમજાવવા, ડરાવવા કે ધમકાવવા આવતો ત્યારે સીતા ભૂમિ પર થી એક તણખલું ઉપાડી ને પોતાની આગળ મુકતા અને કહેતા સાહસ હોય તો આને ઓળંગી બતાવે. આજ ની પેઢી ને માન્યા માં ના આવે અને તર્ક કરે કે ત્રિલોકી રાવણ એક તણખલા થી ડરી જાય અને એને ઓળંગી ના શકે? તણખલું એ પ્રતિક છે. સીતા ભૂમિ માં થી ઉત્પન્ન થયા હતા એટલે ભુમીજા કહેવાય છે અને તણખલું એટલે ભૂમિજ, ભૂમિજ એટલે એમનો ભાઈ. તણખલું એ આત્મવિશ્વાસ છે કે મારો ભાઈ મારી રક્ષા કરશે. આજે પણ સ્ત્રી પતિ કરતા ભાઈ સાથે પોતાને વધારે સુરક્ષિત મહેસુસ કરે છે. વાલ્મીકી એ રામનું જીવન વૃતાંત લખ્યું છે. યુદ્ધ કાંડ પછી રામે સુખ પૂર્વક રાજ કર્યું આ છેલ્લી ચોપાઈ છે અને ત્યાજ રામાયણ પૂર્ણ કરી છે. ઉત્તરકાંડ પછી થી ઉમેરવામાં આવ્યો છે એ વાલ્મીકી ની કૃતિ નથી. 

"ભારત ના સંવિધાન માં સંવિધાન લખનાર બધા જ મહાનુભાવ ના હસ્તાક્ષર છે અને નીચે રામ દરબાર નું ચિત્ર મુકવા માં આવ્યું છે."