નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 27-06-2020 ના રોજ પ્રકાશિત.
આ મહામારી ના શરૂઆતી દિવસો માં બધા જ મિત્રો સગા સંબઘીઓ ને ફોન કર્યા, ખબર અંતર પૂછ્યા. બધા માટે આ એક અલગ જ અનુભવ હતો ઘર માં પુરાઈ રહેવાનો. જિંદગી માં પહેલી વાર બધા ને ઘરમાં હોવા છતાં માચીસ ની ડબ્બી માં પુરાઈ ગયા હોવાની લાગણી થઇ આવતી હતી. પહેલા 21 દિવસ તો બધા ને વેકેશન મળી ગયું હોય એમ ખુશ હતાં. પણ પછી આ કહેવાતું વેકેશન જેમ જેમ લંબાતું ગયું તેમ તેમ બધા ઘર માં કંટાળ્યા. આમ તો આપણે બધા રજાઓ માં 7 થી 10 દિવસ ની રજાઓ લઇ ને પહાડો પર, દરિયા કાંઠે કે વિદેશ ફરવા ગયેલા જ છીએ. રજાઓ કઈ પહેલી વાર નહોતી મળી કે જેમાં આપણે એકાંત માં સમય નીકાળ્યો હોય. પણ એ રજાઓ અને આ રજા ની પરિસ્થિતિ અલગ હતી. ફરવા જવા વાળી રજાઓ માં પવન માં મુક્ત ઉડવા વાળા પંખી ની લાગણી હતી જયારે આમાં તો પીંજારા માં પંખી તરફડતું હોય એવી લાગણી થવા લાગી હતી. આટલા વર્ષો માં પ્રથમ વાર એવો મોકો મળ્યો હતો કે જેમાં વિચારવાનો સમય મળ્યો કે એવું તો શું અલગ છે અત્યારની આ જિંદગી માં? એવું તો શું નવું છે આ ફરજીયાત મળેલી રાજાઓ માં?
બધું જ બંધ. ઘર, ઓફિસ, દુકાન, મોલ, રસ્તાઓ, સાલી જિંદગી જ લોક થઇ ગઈ. લાગ્યું કે પૈસા છે પણ ખર્ચ ક્યાં કરવા એ નથી ખબર? આ લોકડાઉન માં ફક્ત મગજ માં આવતા વિચારો જ સ્વતંત્ર હતા. બાકી બધે જ મસ મોટા તાળા. જે કરી શકાય એમ હતું તે ફફ્ત વિચાર જ હતા એટલે વિચાર્યું જેવી ઈશ્વર ની મરજી. એટલે સોશ્યિલ મીડિયા ઉપર મેસેજ, ટવીટર નું એકાઉન્ટ જે વર્ષો થી વાપર્યું નહોતું તે પણ ચાલુ કર્યું અને મિત્રો ને મેસેજ મોકલવાનું ચાલુ કર્યું, વિચાર્યું ચાલો આ બહાને એક બીજા જોડે વાત તો થશે. કદાચ બધા જોડે આ થયું જ હશે. તમે પણ આવુ જ કઈંક કર્યું હશે. આ કરી લીધા પછી જેમ જેમ વિચારો આવતા ગયા તો ખબર પડી કે જિંદગી ખાલી પૈસા, પ્રમોશન, એટીએમ ના કાર્ડ કે પાસવર્ડ માત્ર નથી, આ બધા થી પણ આગળ એક જિંદગી છે જે આજ સુધી આપણે જોવાનો પ્રયત્ન જ નથી કર્યો. પહેલા કોઈ પાસે સમય નહોતો, પણ હવે સમજાયું કે સમસ્યા સમય ની નહોતી 24 કલાક પહેલા પણ હતા આજે પણ છે. આટલા વર્ષો માં કેટલા 24 કલાકો આવ્યા અને ગયા.
જરૂરિયાત, એશોઆરામ અને વૈભવ વિલાસ નો તફાવત હવે સમજાયો, હવે જ્ઞાન મળ્યું કે સ્વચ્છ કપડાં હશે તો ચાલશે જ બ્રાન્ડેડ કપડાં ની જરૂર ખરી? જમવા માં શાક રોટલી હશે તો ચાલશે જ પિત્ઝા કે હોટેલ હવે તો જરૂરિયાત નહિ પણ એશોઆરામ હતા અને ફાઈવસ્ટાર હોટેલો માં જવું એ તો વિલાસ ની શ્રેણી માં જ હતું એ ખબર પડી. એવી ઘણી વસ્તુઓ છે જેના વિશે વિચાર કરશો તો ખબર પડશે કે જરૂરિયાત, એશોઆરામ અને વિલાસ માંથી આપણા માટે શું જરૂરી છે. આવા કટોકટી ના સમય માં ફક્ત જરૂરિયાતો પુરી કરવા સિવાય બીજી કોઈ બાબત પર ધ્યાન ગયું હોય તો કહેજો. કિરાણા ની દુકાન માં બધું જ મળી ગયું જે જરૂરી હતું, ખબર નહિ દર રવિવારે મોલ માં જઈ ને મારી જરૂરિયાતો પુરી થતી હતી કે એશોઆરામ કે ડંફાસો મારવા માટે મિત્રો સગાઓ આગળ કે અમારે તો મોલ માં ગયા વગર ચાલે જ નહિ. જરૂરિયાતો ની વસ્તુ ઓ મોલ માં ખરીદતા ખરીદતા ક્યારે એશોઆરામ ની વસ્તુઓ ઘર માં આવી જતી હતી ખબર જ નહોતી પડતી. ખોટા દેખાડા કરવાની આદતો પડી ગઈ હતી એ આ ફરજીયાત આવેલી રજાઓ એ શીખવ્યું.
ફરજીયાત રજાઓ માં ગરીબો માટે બે ટેંક નું ભોજન કઈ રીતે મેળવવું એજ એક માત્ર વિચાર હશે. આ સમય એ લોકો માટે બહુ જ કપરો હશે. આપણે ટીવી ઉપર જોયું જ હશે ચાલતા ઘરે જતા મજૂરો, વૃક્ષો ના પાંદડા ખાઈ ને દિવસ ટૂંકો કરતા ગરીબો. આ સમય ઉદારતા અને સહાનુભૂતિ દર્શાવવાનો હતો. કેટલાક ફિલ્મના કલાકારો એ આ ઉમદા વિચાર ઉપર કામ પણ કર્યું. ફિલ્મ ના પરદા ઉપર વિલન નો રોલ કરતા સોનુ સુદ જીવનના અભિનય માં હીરો જેવું કામ કરી ગયા. હજારો લોકો ને ઘરે પહોંચવા માટે બસ ભાડા ની મદદ કરી. અહીં બેઠા બેઠા તમને નમન.
હેન્ડ વોશ ની બાટલી પૂરી થઇ ગઈ છે હાથ વારે ઘડીએ ધોઈ ધોઈ ને. આટલા વર્ષો મોં ને ફેસવોશ થી રગડી રગડી ને ધો ધો કર્યું છે, શું કામ? ખબર નથી. આજે એ બિચારું ફેસવોશ એમને એમ પડ્યું છે. એને હેન્ડ વોશ ની ઈર્ષ્યા આવતી હશે ! વાળ 15 દિવસે તો કપાવવા જ પડે પણ આજે 2 મહિના માં વધી ગયેલા વળી ગયેલા વાળ ખરાબ નથી લાગતાં.
આ સમય ખરાબ છે એવું લાગે છે પણ શું ખરેખર એવું સાચે છે? કેટલું બધું વિચારવાનો મોકો આપ્યો આ ફરજીયાત રજાઓ એ. ઘણા લોકો એ કામની વ્યસ્તતા ના કારણે પોતાના શોખ વર્ષો થી મન માં દબાવી રાખ્યા હશે. કઈ કેટલુંય કરવા ની તમન્નાઓ ને મન ના એકાદ ખૂણા માં દફનાવી દીધી હશે. બધા ને આ રજાઓ એ મોકો આપ્યો છે પોતાના માટે સમય નીકળવા માટે. કંઈક નવું કરવા માટે. કંઈક જે અધૂરું રહી ગયું હતું એ પૂરું કરવા માટે. આ સમય આપણા માટે સાચી શિખામણ આપવા, સાચી જિંદગી શું છે સમજવવા આવ્યો હતો એમ નથી લાગતું? આ સમય ચિંતા કરવાનો નહિ પણ ચિંતન કરવાનો હતો એવું લાગે છે તમને? મહત્વની વાત એ છે કે આ સમયે જ આપણ ને સમય નું મહત્વ સમજાવ્યું છે. માટે મિત્રો ને મળો, સગાઓના ખબર અંતર પૂછો, જરૂરિયાત હોય એમને મદદ કરો, કંજુસી નહિ પણ કરકસર કરો, કુટુંબના સભ્યો ને સમય આપો. રાત અંધારી છે પણ સુખ નો સુરજ ઊગશે જ. થોડી સાવધાની રાખો, ઈશ્વર આપણા બધાનું કલ્યાણ કરે.


