Pages

Tuesday, June 9, 2020

રામકથા કરનાર મોરારીબાપુ ની નિંદા થાય ત્યારે મૌન રહેનાર નિંદા કરનાર થી પણ વધુ અધર્મી ગણાશે.

રામકથા કરનાર મોરારીબાપુ ની નિંદા થાય ત્યારે મૌન રહેનાર નિંદા કરનાર થી પણ વધુ અધર્મી ગણાશે

નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 09-06-2020 ના રોજ પ્રકાશિત.

લોકો તમારો વિરોધ કરી રહ્યા છે? મતલબ તમે સાચા રસ્તે જઈ રહ્યા છો. આજકાલ સોશ્યિલ મીડિયા માં એક ફેશન ચાલી છે. મોરારી બાપુ નો વિરોધ કરવાની. એમના વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાની. રામકથા દરમિયાન બાપુ અલ્લાહ શબ્દ બોલે છે, કવ્વાલીઓ ગાય છે. અને ઘણું બધું. એક વિડિઓ મને મળ્યો એમાં શીર્ષક હતું રામકથા ચાલે છે પણ કાંડ કયો? એમાં તો ત્યાં સુધી કહી દીધું કે રામકથા કરવા વાળા સાચી રામ કથા કહેતા જ નથી. અને રામ ને વનવાસ થયો અને સીતા માટે રામ ને રોતા અને સીતે સીતે કરતા હોય એ જ કથામાં કહેવામાં આવે છે.

આવો વિડિઓ બનાવનાર ને તો શરમ ના આવી પણ સત્ય ને જાણ્યા અને સમજ્યા વગર પણ જો આ પ્રકાર ના વિડિઓ આગળ બીજાને આપણે મોકલીએ અને એને જોયા પછી તેનો વિરોધ ના કરવામાં આવે તો તે પણ અધર્મ જ છે. સ્માર્ટ ફોન વાપરવા થી માણસ સ્માર્ટ નથી બની જતો, સમજી વિવેક પૂર્વક કાર્ય કરવામાં આવે તે જ સાચી સ્માર્ટનેસ છે. કટ્ટરતા નો હંમેશા વિરોધ થવો જોઈએ। કટ્ટરતા અને ઝનૂન માણસ ને સત્ય સુધી નથી પહોંચવા દેતું ને સાચો વિચાર નથી આપી શકતું.

આ રીતે નિંદા કરવાથી બાપુ ને કોઈ નુકસાન નથી જ થવાનું, હા રામ તમારા થી ચોક્કસ દુઃખી થશે. આટલા વર્ષો થી બાપુ રામકથા કરે છે , એમની કક્ષા સુધી પહોંચવું એમને સમજવું એ આ નિંદા ટીકાકારો માટે સાત જન્મ માં ય શક્ય નથી. રામકથા એ બાપુ માટે સાધના સમાન છે અને સાધના માં એક સ્થિતિ એવી આવે છે જ્યાં દરેક ધર્મ, દરેક સંપ્રદાય, દરેક મનુષ્ય એક સમાન લાગવા માંડે. સર્વ ધર્મ સમભાવ ની લાગણી ઉદ્ભવે અને કુદરતી જ રામકથા દરમ્યાન આલ્લાહ કે મૌલા શબ્દ નીકળે તો એમાં નિંદા ને ક્યાં સ્થાન છે? રઘુપતિ રાઘવ રાજા રામ , ઈશ્વવ અલ્લાહ તેરો નામ આ ધૂન આ પ્રાર્થના તો પૂજ્ય ગાંધી બાપુ ની પ્રિય પ્રાર્થના હતી અને આપણે શાળા, મંદિર માં શું આ પ્રાર્થના નથી કરતા? મોરારીબાપુ નો ભાવ સર્વધર્મ સમભાવ નો થયો છે અને એ ફક્ત હિન્દુ ધર્મ ના સંત નથી પણ સમગ્ર વિશ્વ ના સંત છે એવું એમના વ્યક્તિત્વ માં નથી દેખાતું? મોરારીબાપુ અલ્લાહ મૌલા શબ્દ નો ઉચ્ચાર કરે તો ભડકવા ની જરૂર નથી. આના થી હિંદૂ ધર્મ જોખમ માં નથી આવી જવાનો. રામાયણ નું મહત્વ ઓછું નથી થઇ જવાનું.

બાપુ એ રામકથા ને વિશ્વમાં ઘર ઘર સુધી પહોંચાડી છે એની સજા આપણે એમને આપી રહ્યા છીએ? આ રીતે પાછળ પડી જવામાં કયો વિવેક પ્રગટ થઇ રહ્યો છે તે સમજાતું નથી. કદાચ આપણે ભારતીયો પ્રભુ શ્રી રામ ને નથી સમજી શક્યા, તો બાપુ ને શું સમજીશું? નિંદા કે ટીકા કરવાવાળાઓ એ રામાયણ વાંચી હોય અને બાપુ ની કથા નો મર્મ સમજ્યા હોય તો પ્રભુ શ્રી રામ એમનું કલ્યાણ કરે. જયશ્રી રામ.

No comments:

Post a Comment