Pages

Tuesday, August 25, 2020

મને ગમે છે

ગુજરાત છાયા સાહિત્ય કોલમમાં ૨૦-૦૮-૨૦૨૦ નાં રોજ પ્રકાશિત

તું મને વાંચે તારી નજરો થી એ મને ગમે છે

દુર થઇ તારાથી ફરી પાછુ મળવું મને ગમે છે


મારા માટે હૃદયમાં તારા કેવી લાગણીઓ હશે

એજ વિચારીને ખુદની સાથે લડવું મને ગમે છે


ચોરી છુપાઈ ને એક બીજાને જોવું નાં જોવું  કરવું

એક થાય નજર તો નજરઅંદાજ કરવું મને ગમે છે


દિવસો તારા જ હતાં રાત પણ હવે તારા જ નામે

સુતા સુતા હવે આમ જાગવું પણ મને ગમે છે


બંધ કરું આંખ તો મુખડું તારુજ હોય છે સામે

ખુલે આંખને સમાઈ જાય તું હૃદયમાં એ મને ગમે છે

દીપક પંડયા


Saturday, August 22, 2020

નિર્વાણ

નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 22-08-2020 ના રોજ પ્રકાશિત

એક ઝુપડીની બહાર એક તકતી લાગેલી હતી. લખ્યું હતું "જે વ્યક્તિ પૂર્ણ સંતોષી હોય તેને ઝુપડીની બાજુંમાં આવેલી જમીન અને બગીચો ભેટ આપવામાં આવશે." આ ઝુપડીમાં એક સાધુ રહેતા હતાં અને ઉમર ખુબ વધી ગઈ હતી. સાધુ તો આ નાની એવી ઝુપડીમાં રહેતાં હતાં પણ તેમનાં શિષ્યોએ ઝુંપડીની બાજુમાં આવેલી જમીન સાધુના નામે આશ્રમ બનાવવા માટે લઇ રાખી હતી અને એક સુંદર બગીચો બનાવ્યો હતો. સાધુને ખબર હતી કે હવે તેમનો સમય પૂરો થવા આવ્યો છે. અને મારા જીવતાં જીવ મારે આ જમીનની જરૂર પડી નથી તો મર્યા પછી શું કામની? એટલે ઝુપડીની બહાર આ તકતી લગાવી દીધી. જેમ જેમ લોકોને ખબર પડવા લાગી કે જમીન અને બગીચો પૂર્ણ સંતોષી વ્યક્તિને ભેટ મળવાનો છે તો લોકો જાત જાતનાં તર્ક વિતર્ક કરીને ઝુપડીમાં સાધુને મળવા માટે આવવા લાગ્યા. અનેક લોકો આવ્યા પણ બધા જ ખાલી હાથે પાછા ગયાં. 

આ વાત હવે છેક તે રાજ્યના રાજા સુધી પહોચી. તેને વિચાર્યું સાધુએ બધાં ને પાછા મોકલી દીધા છે પણ મને કઈ રીતે પાછો મોકલશે? હું તો મારા જીવનમાં પૂર્ણ સંતુષ્ઠ છું. મારી પાસે કઈ વાત ની ખોટ છે. દુનિયાભરની દોલત એશોઆરામ મારી પાસે છે. મારી કોઈ વાતમાં સાધુ ખોટ કાઢી શકશે નહિ. આમ વિચારીને રાજા ઝુપડીમાં ગયો અને સાધુને કહ્યું તમે ભલે અનેક લોકોને પાછા કાઢી શક્યા હોય કદાચ તમને લાગ્યું હશે કે એ બધાં પૂર્ણ સંતોષી નહિ હોય. હું આ રાજ્યનો રાજા છું અને હું પૂર્ણ રીતે સંતુષ્ઠ છું. મારી પાસે કોઈ વાત ની કમી છે નહિ. આજે હું અહી તમારી પાસે આવ્યો છું, મારા માટે તમારું શું માનવું છે? શું તમે મને આ બગીચો અને જમીન ભેટમાં આપશો? 

સાધુએ કહ્યું રાજા તમે જો એમ સમજતા હોય કે તમે પૂર્ણ સંતોષી છો તો તમે અહી આવ્યા છો શું કામ? આ જમીન અને બગીચો લેવા માટે? તમે રાજા હોવા છતાં પૂર્ણ સંતોષી નથી એટલેજ એ મેળવવા માટે અહી મારી પાસે આવ્યા છો. આ ભેટ તો એના માટે છે કે જે પરમને પામી ગયો હોય, જે પૂર્ણ સંતોષી હોય. હજુ સુધી તો આ રાજ્ય માં એવો એક પણ વ્યક્તિ મને લાગતું નથી કે જે પૂર્ણ સંતોષી હોય. તમે પણ નહિ.

ધ્યાન દ્વારા સંતોષની આવી ક્ષણ જીવનમાં અવતરીત થાય છે, જયારે ઈચ્છાઓ માં રસ નથી રહેતો. મન શાંત હોય છે. વ્યક્તિ અંતર આત્મા સાથે ખુશ હોય છે. આવી જ ક્ષણોમાં પરમાત્માનું અવતરણ થાય છે. કોઈનાં દ્વવાર પર કઈ માંગવા નથી જવું પડતું. પરમાત્માંનાં આશીર્વાદનો મધુર વરસાદ વરસે છે અને આનું નામ જ નિર્વાણ.