પથ્થર છું હું, મારે પણ હવે પીગળવું છે,
નથી રડી શકતો, નથી કોઈ ને કઈ કહી શકતો,
અંદર ને અંદર બળ્યા કરું છું,
હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે,
હૃદય રોજ તૂટે છે અને વેરણ છેરણ થઈ જાય છે.
હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,
હું પણ પરેશાન છું.
વર્ષોની મહેનત હોય છે માન સન્માન કમાવવામાં,
કોઈ પોતાનાં અહમની આહુતિ વડે
એને દહેજની આગ કે જે મેં કદી માગ્યું જ નથી
એમાં સ્વાહા કરી દે તો પણ કોઈને કઈ કહી શકતો નથી,
હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,
હું પણ પરેશાન છું.
સંબંધો સાચવતા સાચવતા હવે કમર દુખવા લાગી છે,
જવાબદારીઓનું વજન બાંધી નદીમાં ઊતર્યો છું
પણ કદાચ આ નદી પાર નહિ કરી શકું,
મારી વેદના કોઈને કહી નહિ શકું,
કારણ કે થપ્પો લગાવી ને આવ્યો છું ને
મજબૂતીનો,
હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,
હું પણ પરેશાન છું.
મન ભરાઈ જાય તો પણ હું રડી નથી શકતો,
નાનપણથી જ શીખવ્યું છે કે છોકરો થઈને રડે છે,
પણ આ બધું ડાયલોગમાં સારું લાગે,
ખરેખર મર્દને પણ દર્દ થાય છે,
હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,
હું પણ પરેશાન છું
એકાદ કાયદો તો અમારી તરફેણમાં બનાવો,
એક ખોટો આરોપ, એક ખોટી ફરિયાદ, પછી,
અમારું માન સન્માન બધું જ લાગે દાવ ઉપર,
પુરુષ જેલની અંદર,
આ રીતે બળાત્કાર પુરુષ ઉપર પણ થાય છે,
પછી જે ઈજ્જત આબરૂના લીરા ઉડે એના માટે પણ કોઈ નિર્ભયા જેવો શબ્દ મળે તો શોધજો.
હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,
હું પણ પરેશાન છું.
દિપક પંડ્યા
No comments:
Post a Comment